×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હાઇકોર્ટના નિર્દેશ બાદ રુપાણી સરકારનો નિર્ણય : લોકડાઉનના બદલે 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ

અમદાવાદ, તા. 6 એપ્રિલ 2021, મંગળવાર

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી હતી. કોરોનાને કાબૂમાં લેવા માટે હાઇકોર્ટે સરકારને 3થી 4 દિવસના લોકડાઉનન નિર્દેશ કર્યો હતો. ત્યારબાદથી જ રાજ્યમાં લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે અત્યારે મોડી રાત્રે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગ્યું છે.

હાઇકોર્ટની ટકોર બાદ રાજ્યની રુપાણી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, જો કે આ નિર્ણયમાં લોકડાઉન સામેલ નથી. એટલે કે હાલ તો રાજ્યમાં કોઇ લોકડાઉન નહીં થાય. મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આજે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી વિજય રુપાણીએ કહ્યું હતું કે સાંજે કોર કમિટીની બેઠકમાં લોકડાઉન અને અન્ય નિર્ણયો લેવાશે. 

ત્યારે પહેલા અમિત શાહ સાથે રુપાણીએ બેઠક કરી અને ત્યારબાદ કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જે પ્રમાણે રાજ્યના 20 શહેરોની અંદર રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ સિવાય 30 એપ્રિલ સુધી તમામ મોટા મેળાવડા અને કાર્યક્રમો સ્થગિત રહેશે. આ સાથે જ લગ્નપ્રસંગ અને અન્ય કાર્યક્રમોની અંદર માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 

30 એપ્રિલ સુધી સરકારી ઓફિસો શનિવારે બંધ રહેશે. આ સિવાય ગુજરાતમાં કોરોનાના હાહાકાર બાદ હવે કેન્દ્રની એક ટીમ ગુજરાત આવશે. જે 20 શહેરોમાં રાત્રિ કર્રફ્યૂની જાહેરાત કરવામાં આવી તેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીનો સમાવેશ થાય છે.