×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હાઇકોર્ટના આદેશ બાદ ઉત્તર પ્રદેશના વારાણસી, કાનપુર, પ્રયાગરાજ, લખનઉ અને ગોરખપુરમાં સંપૂર્ણ લોકડાઉન

લખનઉ, તા. 19 એપ્રિલ 2021, સોમવાર

કોરોના વાયરસ મહામારીના પ્રકોપને ઘ્યાને રાખીને ઉત્તર પ્રદેશની અલ્લાહાબાદ હાઇકોર્ટે રાજ્યી યોગી સરકારને 26 એપ્રિલ સુધી પાંચ પ્રભાવિત શહેરોમાં લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે વારાણસી, કાનપુર શહેર, પ્રયાગરાજ, લખનઉ અને ગોરખપુરમાં આગામી 26 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવાનો આદેશ આપ્યો છે.

આ સુનવણી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થઇ હતી. કોર્ટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને આ આદેશનું મોનિટરિંગ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ આદેશ આજે રાતથી લાગુ થશે. જે દરમિયાન આ તમામ શહેરોમાં આવશ્યક સેવાઓની દુકાન સિવાય તમામ દુકાન, હોટેલ, ઓફિસ અને સાર્વજનિક સ્થાનો બંધ રહેશે. મંદિરોમાં થતી પૂજા પર પણ રોક લગાવવામાં આવી છે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને આ માટે કડક નિર્દેશો આપ્યા છે.

કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ પ્રમાણે પ્રયાગરાજ, લખનઉ, વારાણસી, કાનપુર શહેર અને ગોરખપુરમાં આર્થિક સંસ્થાઓ, મેડિકલ અને સ્વાસ્થ્ય સેવાઓ, ઉદ્યોગો અને વૈજ્ઞાનિક સંસ્થાઓ અને અન્ય જરુરી સેવા છોડીને તમામ વસ્તુઓ બંધ રહેશે. તમામ શોપિંગ મોલ્સ અને કોમ્પલેક્સ 26 એપ્રિલ સુધી બંધ રહેશે. તમામ કરિયાણા અને દુકાનો જ્યાં ત્રણ કરતા વધારે લોકો કામ કરે છે, તે બંધ રહેશે. હોટેલ અને ખાણી પીણીની લારીઓ પણ બંધ રહેશે.

સાથે જ તમામ શૈક્ષણિક સંસ્થાનો પણ 26 એપ્રિલ સુધી બંધ રહેશે. આ આદેશ શિક્ષકો, ઇન્સ્ટ્રક્ટર અને અન્ય સ્ટાફને પણ લાગુ પડશે. કોઇ પણ સામાજિક અને સાંસ્કૃતિક આયોજનોને મંજૂરી આપવામાં આવશે નહીં. જે લગ્નો પહેલાથી જ નક્કી છે તેમને જિલ્લાધિકારીઓની મંજૂરી લેવી પડશે.