×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હસીના સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓની રક્ષા કરે, જિહાદીઓ સામે કાર્યવાહી થાયઃ VHPની માગ


- મૃતક હિંદુઓ અને જે હિંદુઓની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અથવા જે લોકો ઘાયલ છે તેમને વળતર મળવું જોઈએઃ મિલિંદ પરાંડે

નવી દિલ્હી, તા. 15 ઓક્ટોબર, 2021, શુક્રવાર

વિશ્વ હિંદુ પરિષદે બાંગ્લાદેશમાં નવરાત્રી પર મંદિરો અને દેવી-દેવતાઓની મૂર્તિઓ પર થયેલા હુમલાઓની ઘટનાઓની નિંદા કરી હતી અને જિહાદીઓ સામે કાર્યવાહીની માગણી કરી હતી. વીએચપીએ બાંગ્લાદેશ સરકાર હિંદુઓની રક્ષા કરે તેવી માગણી કરી હતી.

વિહિપના કેન્દ્રીય મહાસચિવ મિલિંદ પરાંડેએ ગુરૂવારે જણાવ્યું કે, ચટગાંવ મંડલના કોમિલા ક્ષેત્રમાં રાતના અંધારામાં ષડયંત્રપૂર્વક કુરાનના અપમાનની વાત ફેલાવવામાં આવી. ત્યાર બાદ હુમલાખોરોએ અનેક જગ્યાઓએ દુર્ગા પૂજા પંડાલો પર હુમલો કર્યો હતો અને મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈ હિંદુ સમાજ ખૂબ જ દુખી છે. એક અહેવાલ પ્રમાણે હિંદુ અલ્પસંખ્યકો પર ક્રૂર અત્યાચાર અને ઉત્પીડનનો સિલસિલો ચાલુ જ છે. 

મિલિંદ પરાંડેના કહેવા પ્રમાણે મંદિરો પર થયેલા હુમલામાં 2 હિંદુઓ માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે જ્યારે 500 લોકોને ઈજાઓ પહોંચી છે. બાંગ્લાદેશમાં અન્ય કેટલાય સ્થળોએ દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન દિવ્ય પ્રતિમાઓના અપમાનની ઘટનાઓ બની છે. ત્યાંની સ્થિતિ વધારે ખરાબ થાય તેવી શક્યતા છે કારણ કે, સ્થાનિક આતંકવાદી સંગઠનો દ્વારા આ પ્રકારના હુમલા કરવાની કથિત અપીલ બાદ હિંદુઓ પર વધારે હુમલા થાય તેવી આશંકા છે. 

તેમણે જણાવ્યું કે, આ કારણે બાંગ્લાદેશનો અલ્પસંખ્યક સમુદાય ખૂબ જ વધારે ડરેલો છે. બાંગ્લાદેશ સરકારે પોતાના અલ્પસંખ્યક હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરીને કટ્ટરપંથી જિહાદીઓ પર અંકુશ લગાવવો જોઈએ. તે સિવાય મૃતક હિંદુઓ અને જે હિંદુઓની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અથવા જે લોકો ઘાયલ છે તેમને વળતર મળવું જોઈએ. 

એટલું જ નહીં, મિલિંદ પરાંડેએ કહ્યું કે, ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયે બાંગ્લાદેશની સરકાર પર દબાણ કરવું જોઈએ જેથી હિંદુઓનું સંરક્ષણ અને તેમની સંપત્તિની સુરક્ષાને લઈ ઉચિત કાર્યવાહી કરવામાં આવે. તેમણે આ મુદ્દે યુએનની ચૂપકિદીને લઈને પણ સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે પણ હિંદુઓના માનવાધિકારોની વાત આવે છે, આ સંગઠનો કાર્યવાહી કરતા કેમ શરમાય છે. 

મિલિંદ પરાંડેએ વિશ્વાસ અપાવ્યો હતો કે, વીએચપીની સાથે સાથે સમગ્ર હિંદુ સમુદાય બાંગ્લાદેશના હિંદુઓની સાથે ઉભો છે અને તેમને તમામ સંભવિત મદદ અપાવશે.