×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે સોનામાં રોકાણ કરવું બન્યું વધુ સરળ, જ્વેલર્સે 0.5 ગ્રામના બાર લોન્ચ કર્યા


- અનેક વિદ્યાર્થીઓએ પણ સોનાના નાના કોઈન અને બારમાં નાના પાયે રોકાણ કરવાની શરૂઆત કરી 

અમદાવાદ, તા. 13 એપ્રિલ 2022, બુધવાર

સોનાની કિંમતો રૂપિયા 50,000ની સપાટીને પાર કરી ગઈ છે તેથી અને કોરોનાના કારણે પણ સોનાના બાર અને કોઈન (સિક્કા)ના વેચાણને અસર પહોંચી છે. લોકોને સોનામાં રોકાણ કરવાના ફાયદા અને તેની અગત્યતા સમજાઈ છે પરંતુ તેમના માટે રોકાણ કરવું અઘરૂં બન્યું છે. જોકે આ વસ્તુ સામે આવ્યા બાદ સોનાના સિક્કા અને બાર બનાવનારાઓ અને જ્વેલર્સે નાનકડાં-નાજુક માત્ર 0.5 ગ્રામ વજન ધરાવતા સોનાના બાર લોન્ચ કર્યા છે જેથી લોકોને સોનામાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન મળે. 

એવું માનવામાં આવે છે કે, સોનાની ખરીદીમાં સમૃદ્ધ લોકોનો ફાળો ઘણો વધારે છે. પરંતુ ઈન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC) દ્વારા કરવામાં આવેલો તાજેતરનો એક સર્વે આ ધારણાંને ખોટી પાડે છે. સર્વે પ્રમાણે સોનાના રાષ્ટ્રીય ઘરેલું વપરાશમાં સોનાની ખરીદીમાં 89% જેટલો ફાળો મધ્યમ આવક ધરાવતા જૂથ (વાર્ષિક 2થી 10 લાખની કમાણી)નો છે.  

જ્વેલર્સ અસોસિએશન ઓફ અમદાવાદના (JAA) સેક્રેટરી નિશાંત સોનીના કહેવા પ્રમાણે સોનાની ખરીદી કરનારા લોકોમાં એક મોટો વર્ગ એવો છે જે સોનામાં નિયમિતપણે એક નાની રકમનું રોકાણ કરવા ઈચ્છે છે. સોનાનો ભાવ રૂ. 50,000ની સપાટીને કૂદી ગયો હોવાથી આવા નાના રોકાણકારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. 

આ કારણે સોનાના 0.5 ગ્રામ વજન ધરાવતા બાર લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને તેની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. નિશાંત સોનીના કહેવા પ્રમાણે અનેક વિદ્યાર્થીઓએ પણ સોનાના નાના કોઈન અને બારમાં નાના પાયે રોકાણ કરવાની શરૂઆત કરી છે.