×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે રામ જ રખેવાળ : અમદાવાદની સિવિલ સંચાલિત તમામ હોસ્પિટલો ફૂલ, રાજકોટ સિવિલના ગેટ પણ બંધ કરાયા

અમદાવાદ, તા. 11 એપ્રિલ 2021, રવિવાર

કોરોનાની બીજી લહેરે ગુજરાત રાજ્યને રીતસર ધમરોળી નાંખ્યુ છે. કોરોનાએ એવી કપરી પરિસ્થિતિનું નિર્માણ કર્યુ છે કે હવે આગળ શું થશે તેની કલ્પના પણ મુશ્કેલ બની છે. ખાસ કરીને સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોની સ્થિતિ ભયાવહ થઇ છે. એક તરફ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ હોસ્પિટલો ફુલ છે, ઓક્સિજન મળતો નથી, ઇંજેક્શન મળતો નથી. ત્યાં સુધી કે સ્મશાનમાં પણ જગ્યા નથી મળતી.

આ બધા વચ્ચે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે હવે ભયજનક સ્થિતીનું નિર્માણ થયુ છે. ત્યારે શહેરમાં સિવિલ હોસ્પિટલ સંચાલિત તમામ હોસ્પિટલો ફૂલ થઈ છે. સિવિલના એડિશનલ સુપરીટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું કે હવે સિવિલ હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી નવા દર્દીઓને એડમિશન નહીં મળે. હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ઓક્સિજન બેડ ફૂલ થયા છે. ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યુ હતુ કે, સિવિલમાં 1 કલાકમાં 20 દર્દીઓ આવી રહ્યા છે. 

એટલે કે હવે આપણી પાસે પ્રાર્થના સિવાય કોઇ ઉપાય રહ્યો નથી. હવે તો રામ જ રખેવાળ છે. તો આ તરફ રાજકોટમાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટ સિવિલમાં જગ્યા ખાલી ના હોવાના કારણે હવે કોરોના દર્દીઓ માટે સિવિલનો ગેટ બંધ કરાવામાં આવ્યો છે. કદાચ ઇતિહાસમાં પહેલીવયકત આવું બન્યું છે. હોસ્પિટલની અંદર જગ્યા ના હોવાના કારણે સિવિલના ગ્રાઉન્ડની અંદર એમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવી રહી છે. સારવારના અભાવે હવે તો એમ્બ્યુન્સની અંદર જ મોત થઇ રહ્યા છે.