×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે રાજસ્થાન કોંગ્રેસમાં સંકટ, દિલ્હી આવેલા 4 MLAએ કહ્યું- અમિત શાહ સાથ આપશે તો તેમના સાથે જતા રહીશું


- બસપામાંથી કોંગ્રેસમાં આવેલા 6 ધારાસભ્યો 2 જૂથમાં વહેંચાઈ ગયા છે. 6માંથી 4 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે પરંતુ 2 ધારાસભ્યો જોગિંદર સિંહ અવાના અને દીપચંદ ખૈરિયા તેમના સાથે નથી

નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

કોંગ્રેસની હલચલની અસર હવે રાજસ્થાન સુધી પહોંચી છે ત્યારે રાજસ્થાનનું રાજકીય તાપમાન ફરી ઉંચુ આવી શકે છે. આ વખતે બહુજન સમાજ પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યો મુખ્યમંત્રી અશોક ગેહલોત માટે મુશ્કેલી પેદા કરી રહ્યા છે. બીએસપીમાંથી કોંગ્રેસમાં આવેલા 4 એમએલએ બગાવત કરવાના મૂડમાં છે. લાંબી રાહ જોયા બાદ 4 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે, જ્યારે 2 ધારાસભ્યો મોડી રાતે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા પહોંચ્યા હતા. આ સાથે જ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. 

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે બીએસપીના 6 ધારાસભ્યોને ઘણા સમય પહેલા કોંગ્રેસમાં સામેલ કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે, આ ધારાસભ્યોને તે સમયે મંત્રીપદનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો. હવે તે 6 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો બાગી બનવા લાગ્યા છે. 

આ ધારાસભ્યોની ધીરજ ખૂટવા લાગી છે. તેમને લાગતું હતું કે, મંત્રીમંડળમાં કોઈ જગ્યા મળી જશે અથવા કોઈ રાજકીય પદ મળી જશે. પરંતુ જે રીતે રાજસ્થાનના મંત્રીમંડળનું સતત મોડું થઈ રહ્યું છે તેને લઈ એવું માનવામાં આવે છે કે, બસપામાંથી આવેલા ધારાસભ્યોમાં ખૂબ જ નારાજગી છે. આ કારણે 4 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં આ ધારાસભ્યોના કાર્યક્રમને લઈ વિવિધ અટકળો થઈ રહી છે. 

દિલ્હી આવેલા 4 ધારાસભ્યોમાં રાજેન્દ્ર સિંહ ગુઢા, વાજિબ અલી, સંદીપ કુમાર, લાખન સિંહનો સમાવેશ થાય છે. ચારેય ધારાસભ્યો એક જ ગાડીમાં દિલ્હી પહોંચ્યા છે. જોકે વાતમાં અહીં પણ ટ્વીસ્ટ છે. 

આ ધારાસભ્યોના કોંગ્રેસમાં જવાના નિર્ણયને બસપાએ સુપ્રીમ કોર્ટમાં દલબદલ કાયદા અંતર્ગત વિલયને પડકારી રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે 2 દિવસ પહેલા જ આ ધારાસભ્યોને ફાઈનલ જવાબ રજૂ કરવા કહ્યું હતું. હવે આ ધારાસભ્યોને સદસ્યતા ગુમાવવાનો ડર લાગી રહ્યો છે. 

અમિત શાહ સાથ આપશે તો...

આ બધા વચ્ચે ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ગુઢાનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સદસ્યતા બચાવવા માટેનો કાયદાકીય ઉપાય શોધવા બીજા ધારાસભ્યો સાથે દિલ્હી જઈ રહ્યા છે. વધુમાં કહ્યું હતું કે, 'અમારૂં તો ન હવે ઘર બચશે, ન ઠેકાણું, હવે અમારી પ્રાથમિકતા સદસ્યતા બચાવવાની છે. દિલ્હીમાં તેઓ રાહુલ ગાંધી સહિત જે પણ કોંગ્રેસી નેતા મળશે તેમની બધાની મુલાકાત લેશે. સંદીપ કુમાર અને વાજિબ અલીના કહેવા પ્રમાણે તેમને તણખલાનો સહારો જોઈએ છે. માયાવતી, અમિત શાહ કે રાહુલ ગાંધી જે પણ સહારો આપશે, અમે એ બધાને મળીશું.' દિલ્હી આવેલા ધારાસભ્યોના કહેવા પ્રમાણે તેમને સાથ જોઈએ છે, જે તેમનો સાથ આપશે તેમના સાથે જતા રહેશે. અમિત શાહ હોય કે માયાવતી, સાથ આપશે તો તેમના સાથે જતા રહેશે. 

જોકે બસપામાંથી કોંગ્રેસમાં આવેલા 6 ધારાસભ્યો 2 જૂથમાં વહેંચાઈ ગયા છે. 6માંથી 4 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે પરંતુ 2 ધારાસભ્યો જોગિંદર સિંહ અવાના અને દીપચંદ ખૈરિયા તેમના સાથે નથી. તેઓ મોડી રાતે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યા હતા અને તેમના સાથે વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. અવાનાના કહેવા પ્રમાણે તેઓ મુખ્યમંત્રી ગેહલોતની સાથે છે.