×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે મુંબઈ જૈન સમાજ પણ આંદોલન પર, સમ્મેદ શિખર પ્રવાસન સ્થળ જાહેર કરવાનો મામલો


મુંબઈ, તા. 4 જાન્યુઆરી 2023, બુધવાર

ઝારખંડ સ્થિત શ્રી સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાની યોજના અને ગુજરાતના પાલિતાણામાં જૈન મંદિરમાં તોડફોડનો મામલે સમગ્ર જૈન સમાજમાં આક્રોશ વ્યાપી નિકળ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જૈન સમાજ આ મુદ્દે આંદોલનનાં માર્ગે ઉતરી આવ્યો છે.  તો આ બાજુ સરકારે સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરતાં આજે મુંબઈના આઝાદ મેદાનમાં જૈન સમાજનું મોટું આંદોલન શરૂ થયું છે. મુંબઈ જૈન સમાજ દ્વારા આ રેલી મુંબઈ મેટ્રો સિનેમાથી શરૂ થઈ અને આઝાદ મેદાનમાં સભા કરવામાં આવશે ત્યાર બાદ આ સભા સમાપ્ત કરવામાં આવશે. 

આજે બુધવારની સવારથી જ જૈન સમાજનું પ્રદર્શન શરૂ થઈ ગયું છે. આ રેલી દરમ્યાન રસ્તો બ્લોક કરી દેવાયો હતો અને જૈન સમાજ દ્વારા તિર્થસ્થળને મુક્ત કરવા માંગ કરી રહ્યા છે. આ આંદોલનમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ બધા નારા લગાવી રહ્યા છે અને રેલીમાં ભીડ પણ સતત વધી રહી છે. આપને જણાવી દઈએ કે જૈન સમાજ શ્રી સમેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાની યોજનાનો વિરોધ કરી રહ્યો છે.

અહી મહત્વની વાત એ છે કે પારસનાથ સંમેદ શિખરજીને કારણે ઉદભવેલા વિવાદ પર ઝારખંડના સીએમ હેમંત સોરેને કહ્યું કે તેમની પાસે હજુ સુધી આ મામલાની વિસ્તૃત માહિતી નથી. તેઓ માત્ર એટલું જ જાણે છે કે કેન્દ્ર સરકારે પારસનાથ પર્વતને ઈકો-સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, જેના પર વિવાદ ઊભો થયો છે, તેથી તેઓ અત્યારે આ બાબતે પોતાનો અભિપ્રાય આપી શકે તેમ નથી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર તરફથી કોઈ ટિપ્પણી મળી નથી અને આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.


કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય કેમ અને કયા સંદર્ભમાં લેવામાં આવ્યો છે તેની માહિતી મેળવ્યા બાદ જ કંઈક કહી શકાય: હેમંત સોરે
જો કે, તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય શા માટે અને કયા સંદર્ભમાં લેવામાં આવ્યો છે તેની માહિતી મેળવ્યા બાદ જ કંઈક કહી શકાય. તેમણે એમ પણ કહ્યું કે હું તમામ ધર્મોનું સન્માન કરુ છુ. અને તેઓએ કહ્યું હતું કે આ મામલે શું ઉકેલ આવી શકે તે માટે પ્રયત્ન કરશે. તમને જણાવી દઈએ કે આ મુદ્દે મધ્યપ્રદેશમાં જૈન સમાજે ઝારખંડના સમેદ શિખર પર્યટન સ્થળ સામે મૌન શોભાયાત્રા કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો. દેશભરમાં લાખોની સંખ્યામાં જૈન સમાજની વસ્તી છે. જૈન સમાજના મતે આ આંદોલન ધાર્મિક સ્થળની પવિત્રતા જાળવવા માટે છે. 

સરકાર ધર્મની આધ્યાત્મિકતા અને ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવે તો સારું રહેશે: માયાવતી
તો આ બાજુ જૈન સમુદાયના વિરોધને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને બસપા સુપ્રીમો માયાવતીએ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે 'ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં જૈન ધર્મના લોકો હવે તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા અને પવિત્રતા માટે દેશના વિવિધ ભાગોમાં આંદોલન કરી રહ્યા છે અને ઈન્ડિયા ગેટ સહિત રસ્તાઓ પર ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, આ અત્યંત દુઃખદ અને ચિંતાનો વિષય છે. સરકારો ધર્મની આધ્યાત્મિકતા અને ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવે તો સારું રહેશે.