×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહે કહ્યું- ગાય અમારી માતા જેવી પણ…


- દિગ્વિજય સિંહે વીર સાવરકરના પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો જેમાં સાવરકરે ગૌમાંસ ખાવામાં કશું ખોટું નથી તેમ લખેલું 

- દિગ્વિજય સિંહે કહ્યું કે, અમારી લડાઈ આરએસએસ સાથે છે, એ વિચારસરણી સાથે છે જે આખા દેશના ભાગલા પાડવામાં લાગી છે

નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર, 2021, રવિવાર

મધ્ય પ્રદેશના ચાચૌડા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મણ સિંહ એક ટ્વિટ દ્વારા ચર્ચામાં આવ્યા છે. તેમણે લખ્યું હતું કે, ગાય આપણી માતા જેવી છે અને ગાયના માંસનું ભક્ષણ કરવા અંગે વિચારવું પણ પાપ છે. પરંતુ તેના બદલે આપણે બેરોજગારી, મોંઘવારી અંગે ચિંતા અને ચર્ચા કરીશું તો ઉચિત રહેશે. 

હકીકતે એક દિવસ પહેલા જ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ગાય અંગે નિવેદન આપ્યું હતું. તેના એક દિવસ બાદ તેમના નાના ભાઈ લક્ષ્મણ સિંહે પોતાની ટ્વિટ દ્વારા દિગ્વિજય સિંહના નિવેદનને લઈ સવાલ ઉઠાવ્યો છે. 

દિગ્વિજય સિંહે શનિવારે કહ્યું હતું કે, 'સાવરકરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ગાય એક એવું પશું છે જે પોતાના મળ (પોદરા) પર સૂવે છે, તે આપણી માતા કઈ રીતે હોઈ શકે. ગૌમાંસ ખાવામાં કશું ખોટું નથી.' દિગ્વિજય સિંહે કહ્યું કે, આ એ જ સાવરકર છે જે આજકાલ ભાજપ અને સંઘના ખાસ વિચારક છે.

વધુમાં દિગ્વિજય સિંહે કહ્યું કે, અમારી લડાઈ આરએસએસ સાથે છે. એ વિચારસરણી સાથે છે જે આખા દેશના ભાગલા પાડવામાં લાગી છે. તેમણે તુલસીનગર સ્થિત નર્મદા મંદિર ભવનમાં કોંગ્રેસના જનજાગરણ અભિયાનમાં આવું નિવેદન આપ્યું હતું. 

ભાજપે કહ્યું હિંદુઓનું અપમાન

દિગ્વિજય સિંહના સાવરકર અંગેના નિવેદન બાદ ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપના હિંદુવાદી ચહેરા અને ધારાસભ્ય રામેશ્વર શર્માએ કહ્યું કે, દિગ્વિજ દિવસ-રાત ફક્ત હિંદુઓને બદનામ કરવામાં જ લાગ્યા રહે છે. તેમણે કહ્યું કે, દિગ્વિજય સિંહ એ મહાપુરૂષ છે જે હિંદુઓ વિરૂદ્ધ ષડયંત્ર રચવા દિવસ-રાત મહેનત અને પરિશ્રમ કરે છે. જો તમે હિંદુ અને હિંદુસ્તાનની ભલાઈ માટે આટલું કામ કરતાં તો ના પાકિસ્તાનમાં જિન્ના પેદા થાત અને ના આ દેશની ધરતી પર ક્યાંય આતંકવાદ જોવા મળેત. હિંદુ ધર્મમાં શું-શું ખામીઓ છે અને હિંદુ ધર્મને કઈ રીતે બદનામ કરી શકાય તે માટે દિગ્વિજય સિંહ 24 કલાક મહેનત કરતા રહે છે. કદીક સાવરકરના નામે તો કદીક અન્ય મહાપુરૂષના નામે ખોટા નિવેદનો આપતા રહે છે.