×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે આ રુટ પર દોડતી વંદે ભારત એક્સપ્રેસ પર થયો પથ્થરમારો, જાન્યુઆરીથી અત્યાર સુધી 7મી ઘટના

image : Twitter


વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારો થયો છે. દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરાયાના અહેવાલ મળ્યા છે.  મેરઠ-મુઝફ્ફરનગર રેલવે ટ્રેકના નારા જડોદા રેલવે સ્ટેશન પરથી પસાર થતી વખતે આ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રેનની વિન્ડશિલ્ડ પર સ્ક્રેચના નિશાન પડી ગયા હતા. ટ્રેનમાં કેટલાક મુસાફરોએ તેનો વીડિયો બનાવ્યો હતો.

સદભાગ્યે કોઈને ઈજા નહીં 

વંદે ભારત એક્સપ્રેસના E1 કોચ પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી. રેલવેનું કહેવું છે કે દિલ્હી મંડરની આરપીએફ ટીમ આરોપીને પકડવા માટે દોડતી થઈ હતી. જોકે નારા જડોદાના રેલવે સ્ટેશન માસ્ટર પથ્થરમારાની ઘટનાને નકારી રહ્યા છે.

ટ્રેન 29 મેના રોજ દોડતી થઈ હતી

29 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેહરાદૂનથી દિલ્હીના આનંદ વિહાર સ્ટેશન સુધી ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી હતી. જ્યારે ટ્રેન શરૂ થઈ ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે દહેરાદૂન પહોંચ્યા હતા.

જાન્યુઆરીથી પથ્થરમારાની 7મી ઘટના

જાન્યુઆરી 2023 પછી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની આ 7મી ઘટના છે. અગાઉ મે મહિનામાં કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આવી જ ઘટના 6 એપ્રિલે પણ બની હતી, જ્યારે વિશાખાપટ્ટનમમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હતો. આ પહેલા જાન્યુઆરીમાં વિશાખાપટ્ટનમમાં જ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. 12 માર્ચે પશ્ચિમ બંગાળમાં વંદે ભારત પર પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં ટ્રેનની બારીના કાચને નુકસાન થયું હતું. ઈસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું કે પથ્થરમારાની ઘટના મુર્શિદાબાદના ફરક્કામાં બની હતી. જાન્યુઆરી 2023માં, RPFએ અહેવાલ આપ્યો હતો કે દાર્જિલિંગ જિલ્લામાં પથ્થરમારાને કારણે વંદે ભારત એક્સપ્રેસની બે બારી તુટી ગઈ હતી. તે જ મહિનામાં હાવડાથી ન્યૂ જલપાઈગુડી જતી વંદે ભારત એક્સપ્રેસ પર માલદા પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.