×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે અરૂણાચલમાં સામસામે આવ્યા ભારત-ચીનના સૈનિકો, જવાનોએ LAC ખાતે 200 ચીની સૈનિકોને રોક્યા


- પૂર્વીય લદ્દાખમાં ગત વર્ષના એપ્રિલ માસથી અથડામણ ચાલી રહી છે. 1.5 વર્ષ કરતા પણ વધારે સમય વીતી ગયા બાદ પણ તણાવ વ્યાપેલો છે

નવી દિલ્હી, તા. 08 ઓક્ટોબર, 2021, શુક્રવાર

ભારત અને ચીન વચ્ચે લેહ ખાતે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે અરૂણાચલ પ્રદેશથી પણ તણાવના સમાચાર સામે આવ્યા છે. ભારત અને ચીનના સૈનિકો અરૂણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે સામસામે આવી ગયા હતા. કમાન્ડર સ્તરની વાતચીત બાદ આ મુદ્દો ઉકેલાયો હતો. ભારત અને ચીન, બંને દેશના સૈનિકો પેટ્રોલિંગ દરમિયાન સામસામે આવી ગયા હતા અને આ ઘટના ગત સપ્તાહે બની હતી. 

જાણવા મળ્યા મુજબ અરૂણાચલ પ્રદેશના યાંગત્સે પાસે તવાંગ સેક્ટરમાં ગત સપ્તાહે ભારતીય સૈનિકોએ ચીનના આશરે 200 સૈનિકોને અટકાવ્યા હતા. ભારતીય સૈનિકોના પરસેપ્શન પ્રમાણે ચીની સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરીને ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા હતા. ત્યાર બાદ ચીની સૈનિકોને કસ્ટડીમાં લેવા સંબંધી સવાલ મળવા લાગ્યા હતા. સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા પ્રમાણે ભારત-ચીન સરહદનું સત્તાવાર સીમાંકન નથી કરવામાં આવેલું. બંને દેશની સીમા રેખા પરસેપ્શન આધારીત છે અને પરસેપ્શનમાં અંતર છે. 

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના કહેવા પ્રમાણે બંને દેશ પોતપોતાની ધારણા પ્રમાણે પેટ્રોલિંગ કરે છે. બંને દેશ વચ્ચે કોઈ પણ પ્રકારની અસહમતિ કે અથડામણનું પ્રોટોકોલ પ્રમાણે શાંતિથી સમાધાન કાઢવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના અહેવાલ પ્રમાણે આ ઘટના ગત સપ્તાહે બની હતી. સીમા પર શાંતિ વ્યવસ્થા કાયમ છે. 

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના બારાહોતી ખાતે ચીનના આશરે 100 જેટલા સૈનિકો સીમા રેખા પાર કરીને ભારતીય ક્ષેત્રમાં ઘૂસી આવ્યા હતા. 30 ઓગષ્ટના રોજ ભારતીય સીમામાં આશરે 5 કિમી અંદર સુધી આવ્યા બાદ ચીની સૈનિકો પાછા ફરી ગયા હતા. ચીની સૈનિકોએ ભારતીય સીમા ક્ષેત્રમાંથી પાછા ફરતા પહેલા તે વિસ્તારમાં એક પુલને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જોકે સુરક્ષા એજન્સીઓએ તે સમાચાર નકારી દીધા હતા. 

ઉલ્લેખનીય છે કે, પૂર્વીય લદ્દાખમાં ગત વર્ષના એપ્રિલ માસથી અથડામણ ચાલી રહી છે. 1.5 વર્ષ કરતા પણ વધારે સમય વીતી ગયા બાદ પણ તણાવ વ્યાપેલો છે. બંને દેશ વચ્ચેના સંઘર્ષના અંત માટે સૈન્ય સ્તરની વાતચીત ચાલી રહી છે પરંતુ સાથે જ ચીન ઉશ્કેરણીજનક કાર્યવાહી પણ કરી રહ્યું છે. ચીન એલએસી ખાતે પોતાના સૈનિકોની સંખ્યામાં સતત વધારો કરી રહ્યું છે.