×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવામાન વિભાગની રાજ્યના 13 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી



અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં માવઠાની સિઝન ચાલી રહી છે. ગરમીની સાથે વરસાદ હોવાથી રોગચાળો પણ વકરી રહ્યો છે. બીજી બાજુ ખેતરમાં ઉભો પાક માવઠાને કારણે બગડી જવાથી ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે  હવામાન વિભાગ દ્વારા ફરી માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આજે સાંજે સાત વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે વરસાદ તથા 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં નાના ઝાપટાં પડ્યા હોવાની પણ વિગતો મળી રહી છે. 

આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે  અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વરસાદની સાથે ગરમી વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, મહેસાણામાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ, પોરબંદર અને જામનગરમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 

11મી એપ્રિલ સુધી રાજ્યમાં માવઠાની આગાહી
તારીખ 8 અને 9મી એપ્રિલે એટલે શનિવાર અને રવિવારે હવામાન સૂકું રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 10મી અને 11મી તારીખે ફરી એકવાર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.10 અને 11 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. 10મીએ સુરત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભાવનગરમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 11મી એપ્રિલે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.