×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવાઈ હુમલા બાદ જમીની હુમલાની તૈયારી, ઈઝરાયેલે ગાઝા બોર્ડર પર 9000 સૈનિકો ખડકયા

નવી દિલ્હી,તા.14 મે 2021,શુક્રવાર

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના સંગઠન હમાસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે અને તેમાં હવે ઈઝરાયેલે ગાઝા બોર્ડર પર મોટી સંખ્યામાં પોતાના સૈનિકો મોકલવાનુ એલાન કર્યુ છે. જેના કારણે આ સંઘર્ષ વધારે ઉગ્ર બને તેવા એંધાણ મળી રહ્યા છે

અત્યાર સુધી હમાસ દ્વારા ઈઝરાયેલના વિવિધ શહેરો પર રોકેટસ લોન્ચ કરવામાં આવી રહ્યા હતા અને ઈઝરાયેલે તેનો જવાબ સામે હવાઈ હુમલા કરીને આપ્યો હતો.જોકે હવે ઈઝરાયેલે પોતાના 9000 સૈનિકોને સંભવિત જમીની આક્રમણ માટે તૈયાર રહેવા કહ્યુ છે. જો ઈઝરાયેલના સૈનિકોએ ગાઝામાં બોર્ડર ઓળંગીને કાર્યવાહી કરી તો પરિસ્થિતિ વધારે સ્ફોટક પણ બની શકે છે.

ઈજિપ્ત દ્વારા હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના ઘર્ષણમાં યુધ્ધ વિરામ કરાવવાનો પ્રત્ન થઈ રહ્યો છે પણ વાત આગળ વધી રહી નથી. બીજી તરફ ઈઝરાયેલમાં આરબો અને યહૂદીઓ વચ્ચે છેલ્લા ચાર દિવસથી કોમી હિંસા પણ ફાટી નીકળી છે. લોડ શહેરમાં  ઠેર ઠેર જૂથ અથડામણો થઈ છે અને પોલીસની મોજુદગી વધાર્યા પછી પણ અહીંયા હિંસા ચાલુ છે. દાયકાઓ બાદ આ પ્રકારની હિંસા જોવા મળી રહી છે.

ગઈકાલે રાતે ઈઝરાયેલ પર લેબેનોનોમાંથી પણ રોકેટ ફાયર કરવામાં આવ્યા હતા. આમ હવે ઈઝરાયેલ સામે લેબેનોન બોર્ડર પર બીજો મોરચો ખુલે તેવો ભય પણ ઉભો થયો છે. હમાસના વરિષ્ઠ લીડર સાલેહ અરુરીએ લંડન સ્થિતિ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, ઈજિપ્ત, કતાર અને યુએન દ્વારા સંઘર્ષ વિરામ માટે પ્રયત્નો થઈ રહ્યા છે. તેમણે વાતચીત આગળ વધારવા માટે ત્રણ કલાક આ સંઘર્ષ પર રોક લગાવવા અપીલ કરી હતી પણ અમે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે.

દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂએ એક નિવેદનમાં કહ્યુ હતુ કે, હમાસને બહુ મોટી કિંમત ચુકવવપી પડશે અને અમે આ કિંમત વસુલ કરી રહ્યા છે અને કરતા રહીશું.

ઉલ્લેખનીય છે કે, હમાસ અને ઈઝરાયેલ વચ્ચે આ સંઘર્ષ સોમવારથી શરુ થયો છે. હમાસે ઈઝરાયેલ પર રોકેટો વડે આક્રમણ કર્યા બાદ ઈઝરાયેલે ગાઝામાં વળતા હવાઈ હુમલા કરીને સેંકડો બિલ્ડિંગોને ટાર્ગેટ કરી છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છે કે, ઈઝરાયેલના હુમલામાં 100 પેલેસ્ટાઈન નાગરિકોના મોત થયા છે.જેમાં 28 બાળકો છે અને 15 મહિલાઓ છે. 621 લોકો ઘાયલ છે. ઈઝરાયેલે કહ્યુ છે કે, અમારા સાત નાગરિકોના હમાસના રોકેટ હુમલામાં મોત થયા છે.જેમાં છ વર્ષનો એક બાળક પણ છે.