×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હલ્દ્વાની ખાતે PM મોદીએ વિપક્ષને ઘેર્યું, કહ્યું- બરબાદી લાવનારાઓનો કાચો ચિઠ્ઠો ખુલ્યો


- વડાપ્રધાને વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે, આ લોકો અફવા બનાવો, અફવાઓને ફેલાવો અને પછી અફવાઓને સાચી માનીને દિવસ-રાત ચીસો પાડવાનું કામ કરે છે

નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર, 2021, ગુરૂવાર

ઉત્તરાખંડમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરૂવારે કુમાઉં ક્ષેત્રના હલ્દ્વાની પહોંચ્યા હતા. વડાપ્રધાને ત્યાં 17 હજાર 500 કરોડના 23 અલગ અલગ પ્રોજેક્ટ્સની આધારશિલા રાખી હતી. તેમાં હલ્દ્વાની ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એઈમ્સ)ના શિલાન્યાસનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાને ત્યાં પોતાના સંબોધન દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. 

17 હજાર કરોડની જે પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં હાઈડ્રો પ્રોજેક્ટ, રસ્તાઓની કનેક્ટિવિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વાસ્થ્ય જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાને જનસભા દરમિયાન પલાયનના મુદ્દાને ઉખાળ્યો હતો અને કહ્યું કે, કેટલાક લોકોએ પહાડોને વિકાસથી વંચિત રાખ્યા જેથી લોકો પહાડ છોડીને બીજે ક્યાંક જઈને રહેવા માટે મજબૂર થઈ ગયા પરંતુ હવે લોકો તેમની સચ્ચાઈ જાણી ગયા છે. 

વડાપ્રધાને વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે, આ લોકો અફવા બનાવો, અફવાઓને ફેલાવો અને પછી અફવાઓને સાચી માનીને દિવસ-રાત ચીસો પાડવાનું કામ કરે છે. ટનકપુર-બાગેશ્વર રેલવે લાઈનને લઈ અફવા ફેલાવવામાં આવી રહી છે. જ્યારે ફાઈનલ લોકેશન સર્વે આ પ્રોજેક્ટનો આધાર હશે. જેવી રીતે ઋષિકેશ કર્ણપ્રયાગ રેલ રૂટ બની રહ્યો છે કાલે ટનકપુર બાગેશ્વર રૂટ પણ બનશે. 

જનસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઉત્તરાખંડમાંથી અનેક નદીઓ નીકળે છે. પરંતુ અહીંના લોકોએ આઝાદી બાદથી અન્ય 2 ધારાઓ પણ જોઈ છે. પહેલી ધારા એ છે જે પહાડને વિકાસથી વંચિત રાખવા ઈચ્છે છે. બીજી ધારાવાળા પહાડના વિકાસ માટે દિવસ-રાત એક કરી રહ્યા છે. 

વડાપ્રધાને કહ્યું કે, ઉત્તરાખંડ પોતાની સ્થાપનાના 20 વર્ષ પૂરા કરી ચુક્યું છે. આ વર્ષોમાં તમે એવા સરકાર ચલાવનારાઓ પણ જોયા છે જે કહેતા હતા- ભલે ઉત્તરાખંડને લૂંટી લો, મારી સરકાર બચાવી લો. તે લોકોએ ઉત્તરાખંડને બંને હાથોએ લૂંટ્યું. જેમને ઉત્તરાખંડથી પ્રેમ હોય તે એવું વિચારી પણ ન શકે. 

વડાપ્રધાને કહ્યું કે, આજે અહીં ઉત્તરાખંડમાં જે લખવાડ પ્રોજેક્ટનું કામ શરૂ થયું છે, આ યોજના અંગે પહેલી વખત 1976માં વિચારવામાં આવ્યું હતું. આજે 46 વર્ષ બાદ અમારી સરકારે તેના કામનો શિલાન્યાસ કર્યો છે. વડાપ્રધાને જણાવ્યું કે, તેમણે ઓલ વેધર પરિયોજના પર કામ કરવા ઉપરાંત લિપુલેખ સુધીનો રસ્તો પણ બનાવ્યો. 

વડાપ્રધાને જનસભામાં લોકોને વિનંતી કરી હતી કે, તેઓ જૂઠું બોલનારાઓ અને ધર્મના નામે નફરત ફેલાવનારા લોકો પર વિશ્વાસ ન મુકે. વડાપ્રધાને કહ્યું કે, 'હું શોધી શોધીને જૂની વસ્તુઓને ઠીક કરી રહ્યો છું, તમે તેમને ઠીક કરો.' 

ઉલ્લેખનીય છે કે, હલ્દ્વાની ખાતેની એઈમ્સ ઋષિકેશ બાદ ઉત્તરાખંડની બીજી એઈમ્સ હશે. તેના કારણે કુમાઉં ક્ષેત્રના લોકોને સારવાર માટે ઋષિકેશ સુધી લાંબા થવાની જરૂર નહીં રહે.