×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હરિદ્વારઃ દરગાહ જવા મુદ્દે ધર્મ સંસદવાળા સંતોએ ઉઠાવ્યો સવાલ, બાબા રામદેવે કહ્યું- હું જન્મથી જ પાખંડ વિરોધી


- કેટલાક લોકો ઈર્ષ્યા અને ષડયંત્રપૂર્વક મને બદનામ કરવા માટે જૂઠા આરોપો લગાવી રહ્યા છેઃ બાબા રામદેવ

નવી દિલ્હી, તા. 01 જાન્યુઆરી, 2022, શનિવાર

યોગ ગુરૂ બાબા રામદેવના દરગાહ પિરાન કલિયર જવાને લઈ સંત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બધા રોષ વચ્ચે બાબા રામદેવે મૌનભંગ કરીને સ્પષ્ટતા કરી છે. તેમણે 2 ટ્વિટ દ્વારા પોતાની વાત રજૂ કરી છે. રામદેવના કહેવા પ્રમાણે હિંદુવિરોધીઓ તેમના વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. પોતે જન્મથી જ પાખંડ અને અંધવિશ્વાસના ઘોર વિરોધી છે. 

એક અહેવાલ પ્રમાણે તાજેતરમાં જ દિલ્હીથી પરત ઉત્તરાખંડ જતી વખતે બાબા રામદેવ પિરાન કલિયર દરગાહ ગયા હતા. એવું કહેવામાં આવે છે કે, ત્યાં તેમણે ચાદર ચઢાવી અને દુવા માગી. તેને લઈ હરિદ્વારના સંતો તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદે કરેલા દાવા પ્રમાણે રામદેવ આર્ય સમાજના સંત ગણાય છે. તેઓ આ રીતે દરગાહ પર જાય તે હિંદુ ધર્મની આસ્થા સાથે રમત છે. ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવને આર્ય સમાજમાંથી બહિષ્કૃત કરવાની માગણી ઉઠી છે. 

તમામ વિરોધો વચ્ચે બાબા રામદેવે ચૂપકિદી તોડીને ટ્વિટમાં લખ્યું હતું કે, 'હું જન્મથી જ પાખંડ અને અંધવિશ્વાસનો ઘોર વિરોધી છું. વેદધર્મ અને ઋષિધર્મને અનુરૂપ આચરણ કરવું જ મારો સન્યાસ ધર્મ અને સનાતન ધર્મ માનું છું. મને ચાહનારા કર્ણાટકના 2 સજ્જનો પિરાન કલિયર ગયા હતા. કેટલાક લોકો ઈર્ષ્યા અને ષડયંત્રપૂર્વક મને બદનામ કરવા માટે જૂઠા આરોપો લગાવી રહ્યા છે.'

અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, 'હિંદુ વિરોધી લોકો દુષ્પ્રચાર અને ષડયંત્ર કરે એ સમજાય છે પરંતુ પોતાના જ લોકો પોતાનાઓનો વિરોધ કરે તો ખૂબ આશ્ચર્ય થાય છે. ઈશ્વર અમને ઋષિઓના સંતાનોને સંગઠિત રહેવાના અને પ્રીતિપૂર્વક જીવવાના આશીર્વાદ આપે.'

દરગાહ જવા મુદ્દે યતિ નરસિંહાનંદે દાવો કર્યો હતો કે, બાબા રામદેવે સનાતન ધર્મ સાથે ગદ્દારી કરી છે. નરસિંહાનંદના કહેવા પ્રમાણે તેઓ રામદેવને દયાનંદ સરસ્વતીજીના પ્રચારક માનતા હતા પરંતુ તેમની નજરમાં રામદેવની છબિ ખરડાઈ છે. જો તેઓ કબર પૂજા માટે ગયા હતા તો તેમણે સનાતન ધર્મ સાથે ગદ્દારી કરી છે.