×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હનુમાન જયંતી રેલી હિંસાઃ જહાંગીરપુરી કેસ મામલે સ્યુઓ મોટો લેવા સુપ્રીમ કોર્ટમાં અપીલ


- હનુમાન જયંતી શોભાયાત્રામાં સામેલ કેટલાક સશસ્ત્ર લોકોએ મસ્જિદમાં પ્રવેશ કર્યો અને ભગવો ઝંડો લહેરાવ્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ

નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2022, સોમવાર

હનુમાન જયંતીના રોજ દિલ્હીના જહાંગીરપુરી ખાતે બનેલી હિંસાની ઘટનાનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં અદાલતને સ્વતઃ સંજ્ઞાન (સ્યુઓ મોટો) લઈને કોર્ટના મોનિટરિંગમાં તપાસ માટેની માગણી કરવામાં આવી છે. 

સુપ્રીમ કોર્ટ સમક્ષ જહાંગીરપુરી હિંસાની નિષ્પક્ષ તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના વર્તમાન જજની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. 

વકીલે એવો આરોપ લગાવ્યો છે કે, દિલ્હી પોલીસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ પક્ષપાતી, સાંપ્રદાયિક અને તોફાનોની તૈયારીઓ કરનારાઓને સીધી રીતે બચાવવા માટેની જ રહી છે. આ અદાલતે 2020માં તોફાનો રોકવા મામલે અસફળ રહેવાને લઈ દિલ્હી પોલીસને ફટકાર લગાવી હતી. વકીલ અમૃતપાલ સિંહ ખાલસાએ પત્રમાં લખ્યું છે કે, 2020ના રમખાણોમાં દિલ્હી પોલીસની છાપ ખરડાઈ છે અને લોકોનો તેમના પરનો વિશ્વાસ ઘટ્યો છે. 

દિલ્હી પહોંચી CRPFની 5 ટુકડીઓ, 14ની ધરપકડ

વકીલે જણાવ્યું કે, આ બીજી વખત રાજધાનીમાં રમખાણ થયું છે પરંતુ ફક્ત 'અલ્પસંખ્યક' સમુદાયના સદસ્યોને દોષી ઠેરવવામાં આવશે. અરજીમાં મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ રાખીને કહેવામાં આવ્યું છે કે, હનુમાન જયંતી શોભાયાત્રામાં સામેલ કેટલાક સશસ્ત્ર લોકોએ મસ્જિદમાં પ્રવેશ કર્યો અને ભગવો ઝંડો લહેરાવ્યો. ત્યાર બાદ બંને સમુદાય દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાક્રમમાં દિલ્હી પોલીસના 7થી 8 કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા અને લોકોની અંગત સંપત્તિઓને નુકસાન પહોંચ્યું. 

રામનવમી અને હનુમાન જયંતી પર દિલ્હી અને 7 રાજ્યોમાં થયેલી હિંસાનો મુદ્દો પણ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. વકીલ વિનીત જિંદલે અરજી દાખલ કરીને હિંસા મામલે NIA તપાસની માગણી કરી છે. જિંદલે આ ઘટનાઓમાં ISIS જેવા રાષ્ટ્રવિરોધી અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જેહાદી સંગઠનોની લિકં શોધવા માટે NIA તપાસની માગણી કરી છે. આ સાથે જ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હિંસા સાથે સંબંધિત કેસની તપાસ NIAને સોંપવા આદેશ બહાર પાડવામાં આવે.