×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હની ટ્રેપમાં ફસાઈને સેનાની જાણકારી મોકલી રહેલા રેલવેના પોસ્ટ વિભાગના કર્મચારીની ધરપકડ


- મહિલા મિત્રની ઈચ્છાને માન આપીને તેણે પોતાના નામે એક સિમનો મોબાઈલ નંબર અને વ્હોટ્સએપ માટે ઓટીપી પણ શેર કરી દીધેલો

નવી દિલ્હી, તા. 11 સપ્ટેમ્બર, 2021, શનિવાર

જયપુરની મિલિટ્રી ઈન્ટેલિજન્સ, દક્ષિણી કમાન અને સ્ટેટ ઈન્ટેલિજન્સ દ્વારા એક સંયુક્ત અભિયાનમાં ગુરૂવારે ભરત ગોદારા નામના એક વ્યક્તિની જાસૂસીમાં સામેલ હોવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. તે પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ મહિલા એજન્ટ સાથે સક્રિય સંચારમાં હતો અને સંરક્ષણ સંબંધી સત્તાવાર પત્રોની તસવીરો હાઈ ક્લિક કરીને જાણકારી આપી રહ્યો હતો. 

સંયુક્ત પુછપરછ કેન્દ્ર જયપુર ખાતે એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી પુછપરછમાં આરોપી ભરત બાવરીએ જણાવ્યું કે, તે મૂળે જોધપુર જિલ્લાના ખેડાપા ગામનો રહેવાસી છે અને 3 વર્ષ પહેલા જ એમટીએસ પરીક્ષા અંતર્ગત રેલવે ડાક સેવાના જયપુર સ્થિત કાર્યાલયમાં આવ્યો હતો. ત્યાં તે આવતી-જતી પોસ્ટની છટણી કરવાનું કામ કરતો હતો. 

ડીજીપી ઈન્ટેલિજન્સ ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે, આરોપી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની મહિલા એજન્ટના હનીટ્રેપમાં ફસાઈને ભારતીય સેનાના વ્યૂહાત્મક મહત્વના ગોપનીય દસ્તાવેજોનો ફોટો પાડીને વ્હોટ્સએપ દ્વારા પાકિસ્તાની હેન્ડલરને મોકલી રહ્યો હતો. 

આશરે 4-5 મહિના પહેલા તેના મોબાઈલના ફેસબુક મેસેન્જર પર મહિલાનો મેસેજ આવ્યો હતો. થોડા દિવસો બાદ બંને વ્હોટ્સએપ પર વોઈસ કોલ અને વીડિયો કોલ વડે વાત કરવા લાગ્યા હતા. મહિલાએ પોર્ટ બ્લેરમાં નર્સિંગ બાદ એમબીબીએસની તૈયારી કરવાની વાત કરી હતી. પોતાના સંબંધીના જયપુર સ્થિત કોઈ સારા આર્મી યુનિટમાં સ્થાનાંતરના બહાને ધીમે-ધીમે આરોપી પાસેથી આર્મી સંબંધી જે પત્રો આવતા તેના ફોટો મંગાવવાના શરૂ કર્યા હતા. બાદમાં પાક મહિલા એજન્ટે આરોપીને જયપુર આવીને મળવા, સાથે ફરવા અને રોકાવાની લાલચ આપીને ફોટો મંગાવવાનું શરૂ કર્યું હતું. 

પુછપરછમાં આરોપીએ એમ પણ જણાવ્યું કે, ઉક્ત મહિલા મિત્રની ઈચ્છાને માન આપીને તેણે પોતાના નામે એક સિમનો મોબાઈલ નંબર અને વ્હોટ્સએપ માટે ઓટીપી પણ શેર કરી દીધેલો જેથી પાક મહિલા એજન્ટ તે નંબરનો અન્ય નામથી ઉપયોગ કરીને અન્ય લોકો અને આર્મીના જવાનોને પોતાનો શિકાર બનાવી શકે. 

આ કેસમાં શકમંદ વિરૂદ્ધ ભારતીય સત્તાવાર ગુપ્તતા અધિનિયમ, 1923 અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે.