×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હત્યા કેસમાં રેસલર સુશીલ કુમારની દિલ્હી ખાતેથી ધરપકડ, સાથીદાર પણ ઝડપાઈ ગયો


- સુશીલ કુમાર પર દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે 23 વર્ષીય પહેલવાન સાગર રાણાની હત્યાનો આરોપ

નવી દિલ્હી, તા. 23 મે, 2021, રવિવાર

છેલ્લા કેટલાક દિવસથી હત્યા કેસમાં ફરાર ઓલમ્પિક મેડલ વિજેતા અને પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પહેલવાન સુશીલ કુમારની ધરપકડ કરી છે. જાણવા મળ્યા મુજબ સ્પેશિયલ સેલે સુશીલના સાથીની પણ ધરપકડ કરી છે. 

દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી સુશીલ કુમાર અને અજયની ધરપકડ કરવામાં આવી છે. બંને કાર છોડીને સ્કૂટી પર સવાર થઈને કોઈને મળવા માટે જઈ રહ્યા હતા. આરોપી પહેલવાન સુશીલ કુમારની ધરપકડ માટે પોલીસે પંજાબના ભટિંડા, મોહાલી સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. દિલ્હી પોલીસે પણ અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા પરંતુ સુશીલ કુમાર હાથ નહોતો આવ્યો. શનિવારે સતત એવી અફવા ઉડી હતી કે સુશીલ કુમારની પંજાબ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. 

પરંતુ ઓલમ્પિક વિજેતા પહેલવાન સતત કોઈ ધંધાદારી ગુનેગારની માફક પોલીસને ચકમો આપતો રહ્યો હતો. તે અલગ નંબરો વડે પોતાના અંગત લોકોના સંપર્કમાં રહેતો હતો. દિલ્હી પોલીસની અનેક ટીમ સુશીલ કુમારને શોધી રહી હતી અને આખરે તેની દિલ્હીમાંથી જ ધરપકડ કરવામાં આવી છે. 

દિલ્હી પોલીસે સુશીલ કુમાર માટે 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું અને તેના મિત્ર અજય માટે 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. સુશીલ કુમાર પર દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે 23 વર્ષીય પહેલવાન સાગર રાણાની હત્યાનો આરોપ છે.