×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હત્યાના આરોપી પહેલવાન સુશિલ કુમારને હવે રેલવેએ નોકરીમાંથી સસ્પેન્ડ કર્યો

નવી દિલ્હી,તા.25 મે 2021,મંગળવાર

ઓલિમ્પિકમાં ભાગ લઈ ચુકેલા પહેલવાન સુશીલ કુમારની હત્યા કેસમાં ધરપકડ થયા બાદ હવે રેલવે દ્વારા પણ તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

એક અખબારા અહેવાલ પ્રમાણે સુશીલ કુમારની ધરપકડ સાથે જ તેના સસ્પેન્શનની તૈયારીઓ શરુ થઈ ગઈ હતી. મંગળવારે રેલવે દ્વારા તેના સસ્પેનશનની જાણકારી આપવામાં આવી છે. પોલીસની ધરપકડ બાદ તરત જ તેને નોકરી પરથી હટાવાયો છે. દિલ્હી સરકારમાં ડેપ્યુટેશન પર રહેલા સુશીલ કુમારને છત્રસાલ સ્ટેડિયમમાં સ્કૂલોમાં રમત ગમતને પ્રોત્સાહન મળે તે માટે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે નિમણૂંક અપાઈ હતી.

રેલવેનુ કહેવુ છે કે, રવિવારે રેલવે બોર્ડને સુશીલ કુમાર અંગે એક રિપોર્ટ મળ્યો છે. જેમાં સુશીલ કુમાર સામે ફરિયાદ દાખલ થઈ હોવાનો પણ ઉલ્લેખ છે. દિલ્હી સરકારે પણ સુશીલ કુમારનુ ડેપ્યુટેશન વધારવાની અરજી ફઘાવી દીધી છે. સુશીલ કુમાર 2015થી રેલવે અધિકારી હોવાની સાથે સાથે દિલ્હી સરકારના ડેપ્યુટેશન પણ હતો.

ઉલ્લેખનીય છે કે, તેની પર અન્ય એક પહેલવાન સાગર ધનખડની હત્યાનો આરોપ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા સુશીલ કુમારની ધરપકડ દિલ્હી બોર્ડર પરથી કરવામાં આવી હતી. સુશીલ કુમારના સાથીદારની પણ પોલીસે ધરપકડ કરી છે. સુશીલ ભારત વતી બે વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ ચુકયો છે. હત્યા કેસમાં છેલ્લા કેટલાક દિવસથી તે ફરાર હતો અને પોલીસે તેના નામની લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી અને નોન બેલેબલ વોરંટ પણ કાઢ્યુ હતુ. સુશીલ કુમારે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.

એ પછી દિલ્હી પોલીસની એક ટીમ સુશીલની શોધમાં પંજાબ પણ ગઈ હતી. સુશીલ અને તેના સાથીદારનુ મોબાઈલ વડે લોકેશન ટ્રેસ કરવામાં આવ્યુ હતુ. તેને પકડવા માટે પોલીસે એક લાખનુ ઈનામ અને તેના સાથીદાર અજય પર 50000 રુપિયાનુ ઈનામ પણ જાહેર કર્યુ હતુ.

સુશીલ પર આરોપ છે કે, તેણે ચાર મેના રોજ પહેલવાન સાગર ધનખડ અને બીજા ત્રણ લોકોનુ પોતાના સાથીદારો સાથે અપહરણ કર્યુ હતુ. સુશીલ અને તેના સાથીદારોએ સાગર અને તેની સાથેના વ્યક્તિઓને છત્રસાલ સ્ટેડિયમમાં માર માર્યો હતો.જેમાં સાગરનુ મોત થયુ હતુ.