×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હજુ કેટલાક શહેરોના નામ બદલવામાં આવશે ત્યારે મોદીજીનો વિકાસ દેખાશેઃ બોલિવુડ અભિનેતાનો કટાક્ષ


- 'યોગી સાહેબ ક્યાં સુધી શહેરોના નામ બદલતા રહેશો? એક જ વખતમાં પૃથ્વીનું નામ બદલીને દીનદયાળ ગોળો રાખી દો...'

નવી દિલ્હી, તા. 20 ઓગષ્ટ, 2021, શુક્રવાર

બોલિવુડ અભિનેતા કમાલ રાશિદ ખાન (કેઆરકે) સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને તમામ સમસામયિક મુદ્દે પોતાનું મંતવ્ય રજૂ કરતા રહે છે. તાજેતરની ટ્વીટમાં તેમણે ડૉ. મનમોહન સિંહ અને મોદી સરકારની તુલના કરીને કટાક્ષ કર્યો હતો. કેઆરકેએ લખ્યું હતું કે, 2014 સુધી જે રીતે હિંદુસ્તાન પ્રગતિ કરી રહ્યું હતું તે જોઈને સમગ્ર વિશ્વ કહી રહ્યું હતું કે, આગામી 15-20 વર્ષમાં ભારત ચીનને ટક્કર મારશે. પરંતુ છેલ્લા 7 વર્ષોમાં દેશે એ ઝડપે પ્રગતિ કરી છે કે, હવે ભારતવાસીઓ જ ઈન્ડિયાને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતા સારૂ ગણાવી રહ્યા છે. 

અન્ય એક ટ્વીટમાં કેઆરકેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરીને લખ્યું હતું કે, મારા પ્યારા ભારતવાસીઓ, મોદીજીએ વચન આપ્યું હતું કે, 2022 સુધીમાં તેઓ ભારતમાં બુલેટ ટ્રેનની જાળ ફેલાવી દેશે... તો બસ આગામી વર્ષ સુધીમાં જાળ ફેલાઈ જશે. ત્યાર બાદ જોજો ભારત કઈ ગતિએ દોડે છે. હજુ અન્ય કેટલાક શહેરોના નામ બદલવામાં આવશે, ત્યારે તમને મોદીજી દ્વારા કરવામાં આવેલો વિકાસ સરખી રીતે જોવા મળશે. 

વધુમાં લખ્યું હતું કે, જ્યારે આપણા નેતા ભારતની તુલના અમેરિકા અને યુરોપ સાથે કરવાના બદલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશ સાથે કરે છે તો તે જોઈને મને ખૂબ દુખ થાય છે. નેતાઓને આવી વિચારસરણીને લઈ શરમ આવવી જોઈએ. અન્ય એક ટ્વીટમાં તેમણે શહેરો-જિલ્લાઓના નામ બદલવાને લઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે પણ કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, યોગી સાહેબ ક્યાં સુધી શહેરોના નામ બદલતા રહેશો? એક જ વખતમાં પૃથ્વીનું નામ બદલીને દીનદયાળ ગોળો રાખી દો...