×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્વતંત્રતા દિવસઃ લાલ કિલ્લા પરથી વડાપ્રધાને દોહરાવ્યો દલિતો અને OBCને અનામતનો સંકલ્પ


- 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિકાસ અને સૌનો પ્રયત્ન' એ લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખૂબ જરૂરી છેઃ વડાપ્રધાન

નવી દિલ્હી, તા. 15 ઓગષ્ટ, 2021, રવિવાર

દેશની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશના મહાપુરૂષોને યાદ કર્યા હતા. આ સાથે જ તેમણે દલિતો, પછાતો, આદિવાસીઓ અને સામાન્ય વર્ગના ગરીબોને અનામતનો સંકલ્પ દોહરાવતા કહ્યું કે, વંચિતો માટે કામ કરવામાં આવશે અને કોઈને પાછળ નહીં રહેવા દેવામાં આવે. 

વડાપ્રધાને જણાવ્યું કે, 21મી સદીમાં ભારતને નવી ઉંચાઈએ પહોંચાડવા માટે ભારતના સામર્થ્યનો સાચો અને સંપૂર્ણ ઉપયોગ સમયની માંગ છે અને તે ખૂબ જરૂરી છે. તે સિવાય જે વર્ગ પાછળ છે અને જે ક્ષેત્ર પાછળ છે તેમનું હેન્ડ હોલ્ડિંગ કરવું જ પડશે. મૂળભૂત જરૂરિયાતોની ચિંતા સાથે જ દલિતો, પછાતો, આદિવાસીઓ અને સામાન્ય વર્ગના ગરીબો માટે અનામત સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. 

નીટમાં અનામતનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને જણાવ્યું કે, તાજેતરમાં જ મેડિકલ અભ્યાસ ક્ષેત્રે ઓલ ઈન્ડિયા ક્વોટામાં સામાન્ય વર્ગ અને ઓબીસી વર્ગ માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસદમાં કાયદો બનાવીને ઓબીસી યાદી બનાવવાનો અધિકાર રાજ્યોને આપવામાં આવ્યો છે. વિકાસ સર્વાંગીણ હોવો જોઈએ. તેના માટે કોઈ ક્ષેત્ર ન છૂટવું જોઈએ અને કોઈ વર્ગ પણ ન છૂટવો જોઈએ. આ જ રીતે આપણે દેશના દરેક ક્ષેત્રમાં વિકાસ પહોંચાડવા માટેના પ્રયત્નમાં રત છીએ. 

વડાપ્રધાને કહ્યું કે, બધાના સામર્થ્યને ઉચિત અવસર આપવો તે જ લોકશાહીની સાચી ભાવના છે. આજે નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવિટી નો નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. આ કનેક્ટિવિટી દિલોની પણ છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ છે. નોર્થ ઈસ્ટની તમામ રાજધાનીઓને રેલવે વડે જોડવાનું કામ બહુ જલ્દી પૂર્ણ થશે. જમ્મુ હોય કે કાશ્મીર, વિકાસનું સંતુલન હવે જમીન પર દેખાઈ રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં ડી-લિમિટેશન કમિશનની રચના થઈ ચુકી છે અને ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણીઓ માટે પણ તૈયારી થઈ રહી છે. 

વધુમાં જણાવ્યું કે, અમૃત કાળ 25 વર્ષનો છે પરંતુ એટલી લાંબી રાહ નથી જોવાની. અત્યારથી લાગી જવાનું છે. સંકલ્પ ત્યાં સુધી અધૂરો હોય છે જ્યાં સુધી સંકલ્પ સાથે પરિશ્રમ અને પરાક્રમની પરકાષ્ઠા ન હોય. આ કારણે આપણે આપણા તમામ સંકલ્પોને પરિશ્રમ અને પરાક્રમની પરકાષ્ઠા દ્વારા સિદ્ધ કરીને જ રહેવાનું છે. આ જ સમય છે. આપણે પોતાને બદલવું પડશે. 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિકાસ અને સૌનો પ્રયત્ન' એ લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખૂબ જરૂરી છે.