×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્લેબ વડે ઢાંકેલા કૂવા પર હતી મહિલાઓ, ધડાકા સાથે બધું પાણીમાં સમાયું, 13ના મોત


- અનેક ફોન કર્યા પછી પણ માત્ર 3 જ કિમી દૂર હોસ્પિટલ હોવા છતાં સમયસર કોઈ મદદ ન પહોંચી

- અનેક વખત ના પાડવા છતાં ડાન્સ જોવા માટે મહિલાઓ કૂવાના સ્લેબ પર ચડી હતી

- મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે

કુશીનગર, તા. 17 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર

ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે બુધવારે રાતે એક લગ્ન પ્રસંગ દરમિયાન કાળજું કંપાવી દેનારી ઘટના બની હતી. લગ્નમાં પીઠી ચોળવાની વિધિ વખતે બનેલી દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે જેમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકીઓ હતી. 

જાણવા મળ્યા મુજબ ગામમાં લગ્ન પ્રસંગ પહેલા પીઠી ચોળવાની વિધિ દરમિયાન સૌ મહિલાઓ કૂવાની જાળી પર બેસીને પૂજા કરી રહી હતી. તે સમયે અચાનક જ જાળી તૂટી જતાં સૌ મહિલાઓ કૂવામાં પડી ગઈ હતી. દુર્ઘટના અંગે જાણ થતાં જ ત્યાં પહોંચી ગયેલી પોલીસે ગામલોકોની મદદથી તેમને બહાર કાઢવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો. 

એમ્બ્યુલન્સ સમયસર ન આવી

ગામના એક યુવકના કહેવા પ્રમાણે એમ્બ્યુલન્સને અનેક વખત કોલ કરવામાં આવ્યો હતો. 10 લોકોએ સમય સમય પર એમ્બ્યુલન્સને ફોન કર્યો પરંતુ મદદ માટે કોઈ જ એમ્બ્યુલન્સ ન પહોંચી. ઘટના સ્થળથી માત્ર 3 જ કિમી દૂર હોસ્પિટલ આવેલી હોવા છતાં આ પ્રકારની બેદરકારી જોવા મળી હતી. એમ્બ્યુલન્સ ન આવવાના કારણે પ્રાઈવેટ જીપ અને પોલીસની ગાડીઓ દ્વારા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. 

શું બન્યું ખબર જ ન પડી...

ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, મહિલાઓ મટકોરમાં વ્યસ્ત હતી અને પુરૂષો ભોજન બનાવવાની તૈયારીમાં લાગ્યા હતા. તે વખતે મહિલાઓ કૂવામાં પડી હોવાની જાણ થતાં સૌ તે તરફ દોડી ગયા હતા. લોકોને સમજાતું નહોતું કે, શું કરવું જોઈએ. એટલામાં કેટલાક યુવાનો દોરડા વડે કૂવામાં ઉતર્યા અને મહિલાઓ-બાળકીઓને બહાર કાઢવાનું શરૂ કર્યું. લોકો ચીસો પાડી રહ્યા હતા અને પોતાના પરિવારજનોને શોધી રહ્યા હતા. થોડા સમયમાં જ પોલીસ આવી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. 

પરિવારજનોના કહેવા પ્રમાણે તેમને એ વાતનો અંદાજો નહોતો કે, સ્લેબ તૂટી જશે. જોકે લોકો જ્યારે તેના પર ચઢી રહ્યા હતા ત્યારે ના પાડવામાં આવી હતી કે સ્લેબ તૂટી જશે પરંતુ ડાન્સ જોવાના ચક્કરમાં લોકોએ તેમની સૂચનાની અવગણના કરી હતી. 

PM દ્વારા વળતરની જાહેરાત

વડાપ્રધાન મોદીએ કુશીનગર ખાતે બનેલી આ દુર્ઘટના મામલે દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. 

CM યોગીએ આપ્યા અધિકારીઓને નિર્દેશ

દુર્ઘટનાની સૂચના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોના મૃત્યુ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ સંબંધીત અધિકારીઓને તાત્કાલિક બચાવ અને રાહતકાર્ય સંચાલિત કરાવવા અને ઘાયલોને સમુચિત ઉપચાર કરાવવા નિર્દેશ આપ્યા છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, 'ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે બનેલી દુર્ઘટના ખૂબ જ દુખદ છે. તેમાં જેમણે સ્વજનો ગુમાવ્યા છે તેમની આ અપૂરણીય ક્ષતિ પર ગાઢ સંવેદના વ્યક્ત કરૂ છું. આ સાથે જ ઈશ્વરને ઘાયલોના શીઘ્ર સ્વાસ્થ્ય માટે કામના કરૂ છું.'