×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્પુતનિક લાઈટઃ કોરોના સામે સિંગલ ડોઝ રહેશે પૂરતો, ભારતમાં ટ્રાયલ માટે મંજૂરી


- કોવિડ-19ના તેજ પ્રકોપ વચ્ચે કોઈ પણ દેશમાં વેક્સિનેશનની ગતિ વધારવામાં આ સિંગલ શોટ વેક્સિન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે

નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર, 2021, બુધવાર

રશિયાની સ્પુતનિક લાઈટ વેક્સિનને ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા તરફથી ભારતમાં ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. ટ્રાયલ પૂરી થતાં જ આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી જશે. ત્યાર બાદ ભારતને કોરોના સામેના જંગમાં વધુ એક હથિયારનો સાથ મળશે. 

ઉલ્લેખનીય છે કે, સ્પુતનિક લાઈટ વેક્સિનનો સિંગલ ડોઝ જ કોરોના વાયરસ સામે કારગર નીવડશે. ભારતમાં અત્યાર સુધી જે વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે બધી જ ડબલ ડોઝ વેક્સિન છે. 

રશિયાની સ્પુતનિક લાઈટ વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે કોરોના માટે બનાવવામાં આવેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ભલામણ કરી હતી. એટલું જ નહીં, કમિટીએ તેના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે પણ ભલામણ કરી હતી. જોકે તેને એમ કહીને નકારી દેવામાં આવી હતી કે, ભારતમાં હજુ વેક્સિનનું ટ્રાયલ નથી થયું. કંપનીના કહેવા પ્રમાણે સ્પુતનિક લાઈટમાં એ જ કંપોનેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સ્પુતનિક-વીમાં છે માટે ભારતીય વસ્તી પર તેની અસરનો ડેટા પહેલેથી તૈયાર છે. 

સ્પુતનિક-વી 2 શોટ્સવાળી વેક્સિન છે જેમાં 2 અલગ-અલગ વેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત અભ્યાસ પ્રમાણે કોરોના સામે તેની પ્રભાવકતા 91.6 ટકા જેટલી નોંધાઈ છે. જ્યારે સ્પુતનિક લાઈટ, સ્પુતનિક-વી વેક્સિનનો પહેલો ઘટક છે. આર્જેન્ટિનાના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એકત્ર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે આ વેક્સિનની પ્રભાવકતા 78.6થી 83.7 ટકા વચ્ચે નોંધાઈ હતી. 

વેક્સિનના લાઈટ સંસ્કરણનો પ્રાથમિક લાભ એ છે કે, કોવિડ-19ના તેજ પ્રકોપ વચ્ચે કોઈ પણ દેશમાં વેક્સિનેશનની ગતિ વધારવામાં આ સિંગલ શોટ વેક્સિન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સરેરાશ 79.4 ટકા પ્રભાવકતા સાથે આ વેક્સિન ખૂબ જ ઓછી કિંમત 10 ડોલર પ્રતિ ડોઝ (આશરે 743 રૂપિયા)માં ઉપલબ્ધ થશે.