×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદ બાદ મુખ્યમંત્રી આજે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જશે, હવાઈ નિરિક્ષણ કરશે


રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થયો છે જેમાં સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આભ ફાટ્યું હતું અને સમગ્ર વિસ્તારનો જળબંબાકાર કરી દીધો છે તેમજ ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આજે અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરિક્ષણ કરશે.

CM વહીવટી તંત્ર સાથે બેઠક કરશે

ગીર સોમનાથ અને જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળતા અનેક તાલુકાઓ બેટમાં ફેરવાય ગયા છે તેમજ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય જતા મકાનને નુકસાન થયુ છે તથા ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યુ છે. છેલ્લા ત્રણ દિવસમાં પહેલા ધોરાજીમાં આભ ફાટ્યું હતું ત્યાર બાદ સુત્રાપાડામાં અતિભારે વરસાદ વરસ્યો હતો અને બાદમાં માંગરોળ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં કેશોદમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરિક્ષણ કરશે તેમજ જૂનાગઢમાં અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક પણ કરશે. આ સિવાય મુખ્યમંત્રી જૂનાગઢ ખાતે વહીવટી તંત્ર સાથે પણ એક બેઠક પણ કરશે.

દ્વારકામાં ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ અને જૂનાગઢ બાદ દ્વારકામાં ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. અતિ ભારે વરસાદને કારણે ભાટિયાથી ઓખામઢી રેલવે ટ્રેકને નુક્સાન થયુ હતું જેના પગલે ઓખા જતી ટ્રેન ખંભાળિયા રોકી દેવામાં આવી હતી અને 700 મુસાફરોને બસ મારફતે દ્વારકા મોકલાયા હતા.  આ સાથે જ હવામાન વિભાગ મુજબ આગામી ચાર દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે અને વલસાડ જિલ્લામાં બે દિવસ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.