×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સૌથી વધુ જજોની નિમણૂક કરનાર ચીફ જસ્ટિસ બન્યા એન વી રમણા


- એન વી રમણાએ પોતાના એક વર્ષથી વધુ સમયના કાર્યકાળમાં તેમણે હાઈકોર્ટમાં 100થી વધુ જજોની નિમણૂક અને 5થી વધુ નિમણૂક સુપ્રીમ કોર્ટમાં કરી છે

નવી દિલ્હી, તા. 07 ઓગષ્ટ 2022, રવિવાર

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન વી રમણા ઉચ્ચ ન્યાયતંત્રમાં જજોની સૌથી વધુ નિમણૂક કરનારા દેશના ચીફ જસ્ટિસ બની ગયા છે. પોતાના એક વર્ષથી વધુ સમયના કાર્યકાળમાં તેમણે હાઈકોર્ટમાં 100થી વધુ જજોની નિમણૂક અને 5થી વધુ નિમણૂક સુપ્રીમ કોર્ટમાં કરી છે. હાઈકોર્ટમાં જજોની ખાલી જગ્યા 411 થી ઘટીને 380 થઈ ગઈ છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમનાએ 24 એપ્રિલ, 2021ના રોજ તત્કાલિન ચીફ જસ્ટિસ એસએ બોબડેનું સ્થાન લીધું હતું. તે સમયે દેશની 24 હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 40 ટકા (411) થી વધુ જગ્યાઓ ખાલી હતી. પટના હાઈકોર્ટ સહિત કેટલીક હાઈકોર્ટ અડધાથી પણ ઓછી ક્ષમતા સાથે કામ કરી રહી હતી. પરંતુ જસ્ટિસ રમણાના આવતાની સાથે જ કોલેજિયમમાં સર્વસંમતિ બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા (ન્યાયાધીશોની પસંદગી માટે પાંચ વરિષ્ઠ-સૌથી વધુ ન્યાયાધીશોનું બોર્ડ) અને ન્યાયાધીશોની ભલામણો સ્વીકારવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે તેમની લગભગ બધી ભલામણ માની અને નિમણૂક કરી હતી. આજે એ સ્થિતિ છે કે, હવે હાઈકોર્ટમાં ખાલી જગ્યાઓની સંખ્યા ઘટીને 380 થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે, જસ્ટિસ રમણાના પુરોગામી જસ્ટિસ એસએ બોબડે તેમના એક વર્ષના કાર્યકાળ દરમિયાન એક પણ નિમણૂક કરી શક્યા ન હતા. જોકે તેમનો આખો કાર્યકાળ કોરોના મહામારી દરમિયાન હતો પરંતુ નિમણૂકોને કોરોના સાથે કોઈ લેવાદેવા નહોતી. મુખ્ય મુદ્દો કોલેજિયમની સર્વસંમતિનો હતો. જસ્ટિસ રમણા 26 ઓગસ્ટ 2022ના રોજ નિવૃત્ત થશે.

એક દિવસમાં હાઈકોર્ટ માટે 35 ઉમેદવારોની ભલામણ

જસ્ટિસ રમણાએ કોલેજિયમની અંતિમ બેઠક 25 જુલાઈ 2022ના રોજ આયોજિત કરી હતી. તેમાં તેમણે 6 હાઈકોર્ટ માટે જજોના 35 નામોની ભલામણ સરકારને મોકલી હતી. જેમાંથી આઠ નામ ન્યાયિક અધિકારીઓના છે. આ પછી તેમણે બીજી બેઠક યોજી જે ત્રણ જજોને સુપ્રીમ કોર્ટમાં લાવવાની હતી પરંતુ આમાં સર્વસંમતિ સધાઈ શકી ન હતી. ત્યાર બાદ 1 ઓગસ્ટના રોજ તેણે બીજો પ્રયાસ કર્યો હતો પરંતુ અન્ય ચાર જજો તેની સાથે સહમત ન થયા.

આગામી ચીફ જસ્ટિસની ભલામણ

આ દરમિયાન કેન્દ્ર સરકારે તેમને પત્ર મોકલીને તેમના અનુગામીના નામની ભલામણ કરવા વિનંતી કરી હતી. જસ્ટિસ રમણાએ બીજા દિવસે તેમના અનુગામી માટે જસ્ટિસ યુયુ લલિતનું નામ સરકારને મોકલ્યું હતું. સરકારને નામ મોકલતાની સાથે જ તેઓ કોલેજિયમની બેઠકમાંથી દૂર થઈ ગયા હતા.