×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં 2 બોમ્બ બ્લાસ્ટ, 100ના મોત


- અગાઉ વર્ષ 2017માં અલ-શબાબ જૂથ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા

નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર 2022, રવિવાર

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બે બોમ્બ બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે જ્યારે 300 લોકો ઘાયલ થયા છે. દેશના રાષ્ટ્રપતિ હસન શેખ મોહમ્મદીએ રવિવારે સવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી હતી. આ પ્રચંડ બ્લાસ્ટ એ વિસ્તારમાં થયા હતા જ્યાં શિક્ષણ મંત્રાલય સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે. આ વિસ્તાર ખૂબ ભીડભાડ વાળો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, બ્લાસ્ટ શનિવારે બપોરે થયો હતો જેમાં બાળકો સહિત સેંકડો નાગરિકો માર્યા ગયા હતા. મોગાદિશુમાં હુમલો એવા દિવસે થયો જ્યારે રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હિંસક ઉગ્રવાદનો સામનો કરવા માટે બેઠક કરી રહ્યા હતા.


પોલીસ પ્રવક્તા સાદિક ડોદિશેએ જણાવ્યું હતું કે, બે કાર બોમ્બ બ્લાસ્ટ થયા હતા. હોસ્પિટલના સ્ટાફે શનિવાર સુધી 30 મૃતદેહોની ગણતરી કરી હતી. અલ-કાયદા સાથે જોડાયેલ અલ-શબાબ જૂથ અવારનવાર રાજધાની મોગાદિશુને ટાર્ગેટ કરે છે.

અગાઉ વર્ષ 2017માં અલ-શબાબ જૂથ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. પ્રમુખ હસન શેખ મોહમ્મદે અલ-શબાબ જૂથને દોષી ઠેરવતા હુમલાને ક્રૂર અને કાયરતાપૂર્ણ ગણાવ્યો છે.

મૃતકોમાં મહિલાઓની સંખ્યા વધુ

મદીના હોસ્પિટલના સ્વયંસેવક હસન ઉસ્માને જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઓછામાં ઓછા 30 મૃત લોકોમાં મોટાભાગની મહિલાઓ છે. આમેન એમ્બ્યુલન્સ સેવાએ જણાવ્યું હતું કે, તમણે ઓછામાં ઓછા 35 ઘાયલ લોકોને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

વિસ્ફોટોમાં અનેક રેસ્ટોરાં અને હોટલ અને અન્ય વાહનોનો નાશ થયો હતો. સોમાલી જર્નાલિસ્ટ્સ સિન્ડિકેટે તેના સહયોગીઓ અને પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે બીજા વિસ્ફોટમાં એક પત્રકારનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા. યુનાઈટેડ સ્ટેટ્સે અલ-કાયદાના સૌથી ખતરનાક સંગઠનોમાંના એક તરીકે ઓળખાવેલા ઉગ્રવાદી જૂથ સામે સોમાલિયાની સરકાર નવા આક્રમણમાં વ્યસ્ત છે.