×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સોનીપતઃ સિંધુ બોર્ડર ખાતે વધુ એક ખેડૂતનું મોત, ફંદા સાથે લટકતું મળ્યું શબ


- સંસદનું શીતકાલીન સત્ર શરૂ થશે ત્યાર બાદ ટિકરી અને ગાઝીપુરના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવા અને પોતાના મુદ્દાઓ ઉજાગર કરવા સંસદ ભવન તરફ આગળ વધશે

નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2021, બુધવાર

દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલન સતત ચાલુ છે. ત્યારે આ બધા વચ્ચે સોનીપતની કુંડલી સિંધુ બોર્ડર પરથી બુધવારે પ્રદર્શનમાં સામેલ એક ખેડૂતનો મૃતદેહ ફાંસીના ફંદા સાથે લટકતો મળી આવ્યો હતો. મૃતક ખેડૂતનું નામ ગુરપ્રીત સિંહ હોવાનું કહેવામાં આવ્યું છે. તેઓ પંજાબના ફતેહગઢ સાહિબના રહેવાસી હતા. 

તેઓ રૂડકી ગામના રહેવાસી હતા અને તેમની હત્યા થઈ છે કે, આત્મહત્યા કરી હતી તે હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું. કુંડલી થાણા પોલીસે બંને એન્ગલ ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. 

કૃષિ કાયદાઓ વિરૂદ્ધના ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરૂ થવામાં છે. તેવામાં ખેડૂત સંગઠનોએ 29મી નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શીતકાલીન સત્ર દરમિયાન ટ્રેક્ટર માર્ચ યોજવાનો નિર્ણય લીધો છે. હકીકતે ખેડૂત એકતા મોરચા અંતર્ગત ખેડૂત સંગઠનોની એક બેઠક યોજાઈ હતી. તેમાં ખેડૂત આંદોલનની આગળની રણનીતિ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં રાકેશ ટિકૈત, દર્શનપાલ સિંહ અને ગુરનામ સિંહ સહિત અનેક દિગ્ગજ ખેડૂત નેતાઓ સામેલ થયા હતા. 

ખેડૂતોએ પોતાના પ્રદર્શનની તાકાત વધારવાનો નિર્ણય લીધો હતો. સંસદનું શીતકાલીન સત્ર શરૂ થશે ત્યાર બાદ ટિકરી અને ગાઝીપુરના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવા અને પોતાના મુદ્દાઓ ઉજાગર કરવા સંસદ ભવન તરફ આગળ વધશે. જોકે પોલીસના કહેવા પ્રમાણે કોઈ પણ માર્ચ માટે મંજૂરી નહીં આપવામાં આવે.