×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સેન્સેક્સ, નિફ્ટી નવી ઊંચી સપાટીએ રોકાણકારોની સંપતિ પણ વિક્રમી ટોચે


ઈન્ટ્રાડે સેન્સેક્સ 52641, નિફ્ટી 15835ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યા

રોકાણકારોની સંપતિ રૂા. 88 હજાર કરોડ વધીને રૂા. 231.11 લાખ કરોડની વિક્રમી સપાટીએ

અમદાવાદ : દેશમાં કોરોનાના કેસમાં ઘટાડા સાથે વિવિધ રાજ્યો દ્વારા અનલોકની પ્રક્રિયા હાથ ધરાતા આર્થિક ગતિવિધીઓનો ધમધમાટ વધવા સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ ફંડોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલીએ આજે સેન્સેક્સ 52641 અને નિફટી 15835ની નવી ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યા હતા. બીજી તરફ આજે રોકાણકારોની સંપતિ પણ વધીને રૂા. 231 લાખ કરોડની વિક્રમી સપાટી કૂદાવી ગઇ હતી. 

ગત મે માસમાં કોરોનાના કેસ વિક્રમી સપાટીએ પહોંચી ગયા બાદ તેમાં નોંધપાત્ર ઘટાડો થતા વિવિધરાજ્યો દ્વારા અનલોકની પ્રક્રિયા શરૂ થતા અર્થતંત્રમાં વૃધ્ધિનો આશાવાદ સર્જાયો હતો. બીજી તરફ દેશમાં ચોમાસુ સમય કરતા વહેલું શરૂ થતા તેની બજાર પર સાનુકૂળ અસર જોવાઇ હતી.  

આ ઉપરાંત બજારમાં નાણાંકીય તરલતા જાળવી રાખવાના મધ્યસ્થ બેંકના નિવેદનની પણ પોઝીટીવ અસર જોવાઇ હતી. આ અહેવાલ પાછળ મુંબઇ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ ચોમેરથી નીકળેલ નવી લેવાલીએ સેન્સેક્સ ઈન્ટ્રાડે વધીને 52641.53ની નવી ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યો હતો. જોકે ઊંચા મથાલે નફારૂપી વેચવાલીએ મોટાભાગનો સુધારો ભૂંસાઇ ગયો હતો.

આમ છતાં, કામકાજના અંતે તે 174.29 પોઇન્ટ વધીને 52474.76ની સપાટીએ મજબૂત રહ્યો હતો.  એનએસઇ ખાતે પણ કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ નવી લેવાલીએ નિફટી ઈન્ટ્રા ડે વધીને 15835.55ની નવી ઓલટાઇમ હાઇસપાટીને રચ્યા બાદ નફારૂપી વેચવાલીએ પાછો પડયો હતો.

જોકે, આમ છતાં કામકાજના અંતે તે 61.60 પોઇન્ટ વધીને 15799.35ની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.  સેન્સેક્સમાં નોંધાયેલ સુધારાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઇ માર્કેટ કેપ.) રૂા. 88 હજાર કરોડનો વધારો થતા તે રૂા. 231.11 લાખ કરોડની વિક્રમી ઊંચાઇએ પહોંચ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે માત્ર રૂા. 19 કરોડની નવી ખરીદી કરી હતી.

RILનું માર્કેટ કેપ. રૂ.14.7 લાખ કરોડની ઊંચાઈએ

મુંબઈ : મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે-શુક્રવારે ફરી 200 અબજ ડોલર એટલે કે રૂ.14.7 લાખ કરોડનો આંક પાર કરી ગયું છે.

બજાર બંધ થયા સમયે કંપનીના શેરનો ભાવ બીએસઈ પર રૂ.30.30 વધીને રૂ.2213 અને એનએસઈ પર રૂ.2215.80 થવા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ફરી લિસ્ટ થયેલો પાર્ટલી પેઈડ-અપ શેર બીએસઈ પર રૂ.22.90 વધીને રૂ.1577.85 અને એનએસઈ પર રૂ.1582(રિલાયન્સ પી1) બંધ રહ્યા હતા.

શેરના આજે બંધ ભાવ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ફુલ્લી પેઈડ-અપ શેરોનું મૂલ્ય રૂ.14.05 લાખ કરોડ અને પાર્ટલી પેઈડ-અપ શેરોનું રિલાયન્સ પી1નું મૂલ્ય રૂ.66,800 કરોડ થયું છે. આમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.14.71 લાખ કરોડ થયું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું મૂલ્ય તેની સર્વોચ્ચ સપાટીથી અત્યારે 5.3 ટકા જ નીચું છે. 16,સપ્ટેમ્બર 2020ના રિલાયન્સનું માર્કટ કેપિટલાઈઝેશન 212.5 અબજ ડોલર એટલે કે રૂ.15.6 લાખ કરોડની વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું. જે સમયે ફુલ્લી પેઈડ-અપ શેરનો ભાવ રૂ.2369 અને પાર્ટલી પેઈડ-અપનો ભાવ રૂ.1470 રહ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 42.26 કરોડ શેરોનો રાઈટ ઈસ્યુ કરાયો હતો. જેમાં પાર્ટલિ પેઈડ-અપ શેરો અલગથી રિલાયન્સપી1 સિમ્બોલ હેઠળ શેર બજારોમાં લિસ્ટેડ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 633.9 કરોડ ફુલ્લિ પેઈડ-અપ શેરોનો શેર દીઠ ભાવ એનએસઈ પર આજે-11,જૂન 2021ના રૂ.2215.80 અને 42.26 કરોડ પાર્ટલી પેઈડ-અપ શેરોનો શેર દીઠ ભાવ રૂ.1582 બંધ રહ્યો હતો.