×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સેક્યુલરિઝમ-કમ્યુનલિઝમના ખેલથી દેશને નુકસાનઃ આસામના અંતિમ તબક્કામાં ગર્જ્યા PM


- રેલીમાં એક વ્યક્તિની તબિયત લથડતા વડાપ્રધાને ભાષણ રોકી પોતાની મેડિકલ ટીમ મોકલી

નવી દિલ્હી, તા. 3 એપ્રિલ, 2021, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામના તામુલપુર ખાતે એક જનસભાને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે આસામના લોકો શાંતિ અને વિકાસની સાથે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે તેમની સરકાર આસામના વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેવો દાવો કર્યો હતો અને આસામના લોકોને રાજ્યમાં હિંસા કરનારા લોકો પસંદ નથી તેમ પણ કહ્યું હતું. 

અંતિમ તબક્કાની ચૂંટણી પહેલા લોકોને સંબોધતી વખતે વડાપ્રધાને મહાજુઠાણા ચલાવનારાઓની પોલ ખુલી ગઈ છે અને રાજ્યના લોકો આસામનું અપમાન કરનારાઓને સહન નહીં કરે તેમ કહ્યું હતું. 

સેક્યુલરિઝમ-કમ્યુનલિઝમથી નુકસાન

વડાપ્રધાને કહ્યું કે, 'અમે જ્યારે પણ કોઈ યોજના બનાવીએ છીએ તો બધા માટે બનાવીએ છીએ. દરેક ક્ષેત્રના તમામ વર્ગના લોકો સુધી કોઈ પણ જાતના ભેદભાવ વગર કે પક્ષપાત વગર તે યોજનાનો લાભ પહોંચાડવા અમે મહેનત કરીએ છીએ. દેશમાં કેટલીક એવી ખોટી વાતો ચાલી રહી છે કે, જો આપણે સમાજમાં ભેદભાવ કરીને, સમાજના ટુકડા કરીને આપણી મતબેંક માટે કશુંક આપીએ તો દુર્ભાગ્યવશ દેશમાં તેને સેક્યુલરિઝમ કહેવામાં આવે છે. પરંતુ જો બધા માટે કામ કરવામાં આવે, ભેદભાવ વગર બધાને આપવામાં આવે તો તેને કોમ્યુનલ કહેવામાં આવે છે. સેક્યુલરિઝમ અને કોમ્યુનલિઝમની રમતે દેશને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે.'

વડાપ્રધાને તેમની સરકાર રાજ્યના કોઈ પણ દીકરાએ બંદૂક ન ઉઠાવવી પડે તે માટે પ્રતિબદ્ધ છે તેમ કહ્યું હતું. વધુમાં તેમણે કરેલી અનેક સમજૂતીઓના કારણે આસામમાં શાંતિ વ્યાપી અને આસામની માતાઓના દીકરાઓને હથિયાર ઉઠાવતા રોકી મુખ્ય પ્રવાહમાં લાવવા એનીડીએ સરકારે કામ કર્યું તેમ કહ્યું હતું. 

રેલી દરમિયાન એક વ્યક્તિની તબિયત લથડી તો વડાપ્રધાને પોતાનું ભાષણ રોકીને તેમના સાથેની મેડિકલ ટીમના ડૉક્ટરને તે વ્યક્તિની મદદ કરવા કહ્યું હતું.