×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સૂત્રાપાડા, કોડીનારમાં ધોધમાર 16 ઈંચ, માંગરોળમાં 10 અને વેરાવળમાં 7 ઈંચ


સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા  કોડીનારમાં 12 કલાકમાં 13  ઈંચ,વેરાવળ-ઉના-દિવ નેશનલ હાઈવે ,કોડીનાર-સૂત્રાપાડા રોડ  પર પાણી ભરાતા  બંધ:  કોડીનાર-માંગરોળ પંથકમાં ઘરોમાં પાણી ઘુસ્યા, શહેરોમાં જળબંબાકાર 

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ચોમાસુ ભારે વેગીલુ બન્યું છે અને આજે ગીર સોમનાથ જિલ્લાનો ધમરોળ્યો હતો. બારે મેઘ ખાંગા થયા હોય તેમ સૂત્રાપાડા અને કોડીનારમાં ગત મોડી રાત્રિથી આજે રાત્રિના 8 સુધીમાં મુશળધાર 16 ઈંચ વરસાદખાબક્યો હતો અને ચોતરફ જળ બંબાકાર સર્જાયો હતો. તો જુનાગઢ જિલ્લામાં પણ મુશળધાર વરસાદનો સિલસિલો જારી રહ્યો હતો અને માંગરોળમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 30થી વધુ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં એકધારા વરસ્યા અને અન્યત્ર સામાન્ય વરસાદ રહ્યો હતો. 

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ગત રાત્રિના એક વાગ્યે લોકો નિદ્રાધીન હતા ત્યારે તોફાની વરસાદ શરૂ થયો હતો અને આભ ફાટયું હોય તેમ માત્ર 12 કલાકમાં જ  13 ઈંચ વરસાદ વરસી ગયો હતો. શહેરના સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા, દરિયાકાંઠાના વેલણ, કોટડા,માઢવડ, માલશ્રમ, મુળદ્વારકા, સરખડી, મઠ, છારા સહિત ગામોમાં અતિ ધોધમાર વરસ્યો હતો. ગીર જંગલના ઘાટવડ, જામવાળા, છાછર, રોણાજ, સુગાળા, વડનગર, સીધાંજ, કંટાળા, ગીર દેવળી, વાલાદર, સાંઢણીધાર, અરણેજ, ફાચરિયા, પેઢાવાળા સહિત ગામો જળબંબોળ થયા હતા. સૂત્રાપાડામાં 331 મિ.મિ.સહિત 16 ઈંચ વરસાદથી નદીઓમાં પૂર આવ્યા હતા. કણજોતર ગામ પાસે ઉમટ નદીમાં પાણી આવતા કોડીનારથી સૂત્રાપાડાનો રસ્તો બંધ થયો હતો. 

સોમનાથ વેરાવળમાં સાડા છ ઈંચ ધોધમાર વરસાદ  વરસી જતા રાજેન્દ્રવુવન રોડ, સુભાષરોડ, બસ સ્ટેન્ડ, ગાંધી રોડ, હરસિધ્ધિ, હૂડકો, સોમનાથ ટોકિઝ, શાંતિનગર સહિત વિસ્તારોમાં બે ફૂટ જેટલા પાણી ભરાતા વાહનચાલકોએ પસાર થવું મૂશ્કેલ બની ગયું હતું. વેરાવળ-ઉના-દિવથી ભાવનગર સુધીના નેશનલ હાઈવે ફોરટ્રેકનું કામ ચાલી રહ્યું છે ત્યારે પેઢાવાડા પાસે પૂલના ચાલતા કામ અન્વયે આજે ભારે વરસાદથી નદીના પાણી રસ્તા પર આવતા રોડ બંધ થઈ ગયો હતો.એસ.ટી. બસો સહિતના ભારે વાહનો પસાર થઈ શક્યા ન્હોતા અને લાંબી લાઈનો લાગી હતી. સૂત્રાપાડા, લોઢવા ધામળેજ એ સીંગલ પટ્ટીના રોડ પરથી વાહનોએ પસાર થવું પડયું હતું.

જુનાગઢ જિલ્લામાં ગઈકાલે ગિરનાર વિસ્તારમાં સાત ઈંચ વરસાદ પછી આજે માંગરોળને મેઘરાજાએ ધમરોળ્યું હતું. મોડી રાત્રિથી વરસાદ શરૂ થયો હતો અને સવારે છ વાગ્યા સુધીમાં 5 ઈંચ પછી આજે રાત્રિના આઠ સુધીમાં વધુ 5 ઈંચ સહિત 10 ઈંચ વરસાદ વરસતા આભ ફાટયું હોય તેવો અહેસાસ થયો હતો. માંગરોળમાં ગણેશ સોસાયટી, બહાર કોટ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા અને તાલુકાના ફરગંટા ગામમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. શીલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે કેશોદમાં દોઢ ઈંચ, જુનાગઢમાં પોણો ઈંચ,  મેંદરડામાં અર્ધો ઈંચ, વંથલીમાં ઝાપટાં સાથે જિલ્લામાં હળવાથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો.

પોરબંદરમાં આજે પણ મેઘસવારી જારી રહી હતી, પોરબંદરમાં એક ઈંચ, રાણાવાવ અને કુતિયાણામાં પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો. 

આ ઉપરાંત મોરબી જિલ્લામાં આજે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા, હળવદમાં અઢી ઈંચ પાણી વરસી ગયું હતુ જ્યાં રાણેકફળી વિસ્તારમાં જર્જરિત મકાનની પારાપેટ તૂટી પડી હતી.  જ્યારે ટંકારામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. તલાલામાં આજે દિવસ દરમિયાન દોઢથી બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે અમરેલી જિલ્લામાં પણ સચરાચર વરસાદ નોંધાયો છે. 

સૌરાષ્ટ્રમાં  આજે સવારે છથી રાત્રિના આઠ સુધીમાં જુનાગઢના માળિયાહાટીનામાં ,કેશોદમાં ૨ ઈંચ,  ખંભાળિયામાં ગઈકાલે ૬ ઈંચ બાદ આજે જામકલ્યાણપુરમાં વધુ દોઢ ઈંચ, ગીરગઢડા,જામનગર,  વાંકાનેરમાં ટંકારામાં દોઢ ઈંચ, ઉપરાંત ગોંડલ, ઉના, જાફરાબાદ, ધ્રોલ, કુતિયાણા, દ્વારકા, કોટડાસાંગાણી, ચોટીલા, થાનગઢમાં એકાદ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ સિવાયના ગામોમાં હળવા-ભારે ઝાપટાં વરસ્યા હતા.