×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુરતમાં કોરોનાથી મોતનો ભયાનક ખેલ: રાતો રાત શરુ કરવું પડ્યું 14 વર્ષથી બંધ સ્મશાન


- મૃતદેહના અંતિમ સંસ્કારનું વેઈટીંગ ઓછું કરવા માટે પાલની 14 વર્ષથી બંધ સ્મશાનભુમી 24 કલાકમાં શરૂ થઈ
- શહેરની સ્થિતિ એટલી ભયાનક છે કે 2006માં બંધ કરેલું સ્મશાન શરૂ થયું 
- ગઈકાલે રાત્રે કોવિડના મૃતકોના 15 મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા

સુરત,તા. 12 એપ્રિલ 2021, સોમવાર

સુરતમાં કોરોનાના કારણે મોતનું તાંડવ થઈ રહ્યું છે અને દરેક સ્મશાન ગૃહમાં મૃતકની અંતિમ વિધિ માટે કલાકો સુધીનું વેઈટીંગ છે. સુરતની આવી ભયાનક સ્થિતિના કારણે શહેરમા 14 વર્ષથી બંધ પડેલું સ્મશાન શરૂ કરવામાં આવ્યું છે.

પાલિકાની વિનંતી બાદ માત્ર 24 કલાકમાં ટ્રસ્ટી અને સેવાભાવી લોકોએ સ્મશાન શરૂ કરી દીધું હતું. પાલના આ સ્મશાનમાં માત્ર કોવિડના મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવશે. ગઈકાલે રાત્રે 15 મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવી હતી અને એક સાથે 50 મૃતદેહનો અંતિમ સંસ્કાર થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.


સુરત પાલિકા અને રાજ્ય સરકાર કોવિડના મૃત્યુ આંક છુપાવી રહી છે પરંતુ સુરતના સ્મશાનમાં કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે થતાં અંતિમ સંસ્કાર સરકારની પોલ ખોલવા પુરતા બન રહ્યાં છે. સુરતના ત્રણેય મુખ્ય સ્મશાનોમાં કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહનો ઢગલો થઈ રહ્યો છે અને પરિણામે સ્મશાનના સંચાલકો દ્વારા અંતિમ સંસ્કાર માટે ટોકન આપવામાં આવી રહ્યાં છે. સુરતની સ્મશાનભુમીમાં જગ્યા ખુટી પડી હોય તેવી સ્થિતિ છે અને સુરત બહારના ગામડાંઓના સ્મશાનમાં અંતિમ સંસ્કાર થઈ રહ્યાં છે તેમ છતાં કોવિડના મૃતકોના મૃતદેહના ઢગલા થઈ રહ્યાં છે.

સુરતની આવી સ્થિતિ બાદ સુરત મ્યુનિ. તંત્ર પાલ ખાતેની 2006થી બંધ પડેલી સ્મશાન ભુમીને ફરીથી શરૂ કરવા માટેનો નિર્ણય કર્યો છે. પાલિકાના માજી કોર્પોરેટર અને સ્મશાનના ટ્રસ્ટી પી.એમ. પટેલ, અડાજણના માજી કોર્પોરેટર પી. એમ. પટેલ તથા હાલના કોર્પોરેટર નિલેશ પટેલ અને ભાજપના માજી પ્રમુખ નિતિન ભજીયાવાલાએ તાત્કાલિક બંધ થયેલી સ્મશાન ભુમી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.


શનિવારે સાંજે નિર્ણય કરાયા બાદ પાલિકાએ મશીનરી આપતાં સફાઈ કરવામાં આવી હતી.ત્યાર બાદ ગઈકાલે રાત્રે કોવિડના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામા ંઆવ્યા હતા. ટ્રસ્ટી પી.એમ. પટેલ કહે છે, પાલિકાના સહયોગથી માત્ર 24 કલાકમા સ્મશાન શરૂ કરવામાં આવ્યું છે અને અહી માત્ર કોવિડથી મૃત્યુ પામેલાના જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

સુરતમાં છેલ્લા 14 વર્ષથી પાલ એક્વેરિયમની પાછળના ભાગે તાપી નદીના કિનારે આવેલી કૈલાસ મોક્ષ ધામને શરૂ કરવામા આવ્યું હતું અને અહી 50થી વધુ કોવિડના મૃતદેહની અંતિમ ક્રિયા કરવામાં આવશે. સુરતમાં ત્રણ સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ માટે ટોકન આપવા છતાં મૃતદેહનો ઢગલો થઈ રહ્યો છે અને વેઈટીંગ છે. જેના કારણે સુરતની 14 વર્ષથી બંધ પડેલી સ્મશાન ભુમીને શરૂ કરી તેમાં અંતિમ સંસ્કાર પણ શરૂ કરવામાં આવ્યા તે જ સુરતની ભયાનકતાનો ચિતાર આપે છે.