×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુરતની ખાનગી હોસ્પિટલોમાં માત્ર 6 કલાક ચાલે તેટલો ઓક્સિજન, 4000 દર્દીઓના જીવ જોખમમાં

સુરત, તા. 26 એપ્રિલ 2021, સોમવાર

દેશમાં અત્યારે કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ બધા વચ્ચે અત્યારે દેશ ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યો છે. જેમાંથઈ આપણું ગુજરાત પણ બાકાત નથી. રાજ્યમાં તમામ જગ્યાએ લોકો ઓક્સિજન માટે આમથી તેમ દોડી રહ્યા છે. સરકારના સબ સલામતના દાવાઓ વચ્ચે જમીની હકિકત કંઇક અલગ જ છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મહાનગરોમાં તો ઓક્સિજન સંકટ ઘેરું બનતું જાય છે.

સુરતની વાત કરીએ તો સુરતની ખાનગી હોસ્પિટલોમાં અત્યારે 6થી 7 કલાક ચાલે તેટલો જ ઓક્સિજનનો જથ્થો બચ્યો છે. જો ઝડપથી આ હોસ્પિટલોને ઓક્સિજન આપવામાં નહીં આવે તો 4000 દર્દીઓના જીવને જોખમ ઉભું થશેજેના કારણે ડોક્ટરો સ્થાનિક પ્રશાન, અધિકારીઓ તેમજ મુખ્યમંત્રી વિજય રુપાણીને ઓક્સિજન આપવા માટેની કાકલુદી કરી રહ્યા છે.

સુરતમાં અત્યારે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે કે ઓક્સિજનની અછતના કારણે હોસ્પિટલોએ દર્દીઓને દાખલ કરવાનું બંધ કર્યું છે. સુરતને દરરોજ 220 મેટ્રિક ટન ઓક્સિજનની જરુરિયાત છે, જેની સામે અત્યારે સુરતને માત્ર 160 કે 170 ટન ઓક્સિજન જ મળી રહ્યો છે. જેથી આવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો આવી જ સ્થિતિ રહી તો ઓક્સિજનની અછતના કારણે અનેક લોકો જીવ ગુમાવશે.

ઉલ્લેખનીય છે કે હોસ્પિટલો દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા નથી થઇ રહી, જેથી દર્દીઓના પરિજનો અને સંબંધીઓ ઓક્સિજનની વ્યવસ્થામાં લાગ્યા છે. તેઓ બાટલા લઇને આખો આખો દિવસ લાઇનમાં ઉભા રહે છે. આવી જ સ્થિતિ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને શહેરોમાં પણ જોવા મળી રહી છે.