×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સીડીએસ રાવતનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન


નવી દિલ્હી, તા.૧૦
તામિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમનાં પત્ની મધુલિકાનો નશ્વર દેહ શુક્રવારે સાંજે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે દિલ્હી કેન્ટના બ્રાર સ્ક્વેર સ્થિત સ્મશાનભૂમિમાં પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો. અહીં જનરલ રાવતને ૧૭ તોપોની સલામતી આપવાની સાથે જ ૩૩ સૈન્ય કર્મચારીઓે અંતિમ વિદાય પણ આપી હતી. સીડીએસ અને તેમનાં પત્નીની બધી જ અંતિમ ક્રિયાઓ તેમની પુત્રીઓએ કરી હતી. જનરલ રાવતની સાથે બ્રિગેડિયર એલએસ લિડ્ડરના પણ બ્રાર સ્ક્વેર સ્થિત સ્મશાનમાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા.


સૈન્ય અધિકારીઓના અંતિમ સંસ્કાર દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ભારતીય સૈન્યના અનેક પૂર્વ વડા, ફ્રાન્સ, બાંગ્લાદેશ, ભૂતાન સહિત અન્ય દેશોના ટોચના સૈન્ય અધિકારીઓ સહિત ભારતીય સૈન્યના ૮૦૦ જેટલા જવાનો હાજર રહ્યા હતા. જનરલ રાવતની બંને પુત્રીઓએ બધા જ રીત-રિવાજથી માતા-પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. આજીવન પત્નીનો સાથ નહીં છોડનારા સીડીએસ રાવત મૃત્યુ સમયે પણ પત્નીની સાથે જ હતા અને તેમને અગ્નીદાહ પણ એક જ ચીતા પર આપવામાં આવ્યો હતો. સીડીએસ રાવતને ૧૭ તોપોની સલામી અપાઈ હતી. તેમના મૃતદેહને ત્રણેય સૈન્યના વડાઓએ કાંધ આપી હતી.


અગાઉ તામિલનાડુના હેલિકોપ્ટર અકસ્માતમાં જીવ ગુમાવનારા બ્રિગેડિયર એલએસ લિડ્ડરના અંતિમ સંસ્કાર પણ આ જ સ્મશાનમાં સવારે નવ વાગ્યે કરાયા હતા. બ્રિગેડિયર લિડ્ડરની પુત્રીએ તેમને મુખાગ્ની આપ્યો હતો. તેમની ૧૭ વર્ષીય પુત્રી આશના લિડ્ડરે જણાવ્યું હતું કે, તેમના પિતા નેશનલ હીરો હતા અને તેમના જવાથી દેશને મોટી ખોટ પડી છે. બ્રિગેડિયર લિડ્ડરના પત્ની ગીતિકા લિડ્ડરે કહ્યું કે, આપણે તેમને હસતા હસતા સારી વિદાય આપવી જોઈએ. હું એક સૈનિકની પત્ની છું. જીવન ખૂબ જ લાંબુ છે, પરંતુ ભગવાનને આ જ મંજૂર હોય તો અમે આ જ રીતે જીવીશું. તેઓ આ રીતે પાછા ફરે તેમ અમે નહોતા ઈચ્છતા.


બ્રિગેડિયર લિડ્ડરને શ્રદ્ધાંજલી આપવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, એનએસએ અજિત ડોભાલ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સ્મશાનભૂમિ પહોંચ્યા હતા. કામરાજ માર્ગ સ્થિત જનરલ રાવતના આવાસ પર બપોરે લગભગ સવા બે વાગ્યાથી અંતિમ યાત્રા શરૂ થઈ હતી. જનરલ લાવતને સર્વોચ્ચ સન્માન આપતા તેમના પાર્થિવ શરીરને ગન કેરેજ પર બ્રાર સ્ક્વેર સુધી લઈ જવાયા હતા. ગન કેરેજની આગળ અને પાછળ ત્રણેય સૈન્યના ૯૯-૯૯ જવાનો સાથે ચાલી રહ્યા હતા. તેમને અંતિમ વિદાય આપવા માટે હજારોની જનમેદની ઉમટી પડી હતી. સીડીએસ રાવત અને તેમના પત્ની મધુલિકાના પાર્થિવ શરીર બપોરે ૩.૩૫ વાગ્યે બ્રાર સ્ક્વેર પર પહોંચ્યા હતા. અહીં ત્રણેય સૈન્યની ટૂકડીઓએ તેમને સલામી આપી હતી. ત્યાર પછી લગભગ એક કલાક સુધી ભૂતપૂર્વ અને વર્તમાન સૈન્ય અધિકારીઓ સહિત અન્ય અગ્રણીઓએ તેમને શ્રદ્ધાંજલી આપી હતી. ત્યાર પછી બંને પુત્રીઓએ તેમને મુખાગ્ની આપ્યો હતો.