×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સિંધુ બોર્ડર પર ખેડૂતોની બેઠક પહેલા રાકેશ ટિકૈતે કહ્યું- આશા છે સમાધાન થઈ જવું જોઈએ


- સીડ બિલ, ટ્રેક્ટર, વીજળી, કમિટીની રચના જેવા 4-5 મુદ્દાઓ પર આંદોલન પૂરૂ થઈ શકે

નવી દિલ્હી, તા. 04 ડિસેમ્બર, 2021, શનિવાર

સિંધુ બોર્ડર પર આજે ખેડૂત સંગઠનોની બેઠક યોજાવાની છે તેના પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એક મહત્વનું નિવેદન આપ્યું છે. રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, આશા છે કે, આજની બેઠકમાં કોઈ સમાધાન નીકળવું જોઈએ. આજની બેઠકમાં સંયુક્ત કિસાન મોરચાની સમગ્ર ટીમ અને તેના સાથે સંકળાયેલા તમામ સંગઠનો ઉપસ્થિત રહેશે. વધુમાં જણાવ્યું કે, કૃષિ કાયદાને છોડી દઈએ તો 4થી 5 મોટા મુદ્દાઓ છે. તેમાં એમએસપી, ખેડૂતો વિરૂદ્ધ નોંધાયેલા કેસ, કેન્દ્રીય મંત્રી ટેની વિરૂદ્ધની કાર્યવાહી અને સરકાર દ્વારા ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા તેનો સમાવેશ થાય છે. જો આ મામલે કોઈ સકારાત્મક નિર્ણય લેવાયો તો આંદોલન પૂરૂ થઈ જશે. 

અગાઉ શુક્રવારના રોજ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના ઘરે રાજ્ય સરકાર સાથેની લાંબી બેઠક યોજાઈ હતી પરંતુ તેનું કોઈ પરિણામ નહોતું આવ્યું. રાજ્ય સરકારે ખેડૂતો વિરૂદ્ધ નોંધાયેલા કેસ પાછા ખેંચવા સહિતની અન્ય માગણીઓ પર વિચારણા કરવા માટે ખેડૂત નેતાઓને બોલાવ્યા હતા. જોકે તેનું કોઈ પરિણામ નહોતું મળ્યું. ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ જણાવ્યું કે, આટલી લાંબી બેઠક બાદ પણ કોઈ સહમતિ નથી સધાઈ. સરકારે નરમી કે ગરમી કશું જ ન દેખાડ્યું. 

ત્યાર બાદ રાકેશ ટિકૈતનું આ નિવેદન સામે આવ્યું છે. ટિકૈતે કહ્યું હતું કે, આજે એસકેએમની બેઠકથી કેટલીક આશાઓ છે. કમિટી બનાવવાની વાત છે અને બીજા મુદ્દાઓ અંગે ચર્ચા થશે. આજની બેઠકમાં સીડ બિલ, ટ્રેક્ટર, વીજળી, કમિટીની રચના અંગે વાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આંદોલન આ 4-5 મુદ્દાઓ પર જ પૂરૂ થઈ જશે તે વાતને લઈ સૌ એકમત છે.