×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સિંઘુ-ગાઝીપુર સરહદે ખેડૂતો અને પોલીસ ફરી આમને-સામને આવી ગયા


નવી દિલ્હી, તા.૨૮

દિલ્હીમાં પ્રજાસત્તાક દિને ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં હિંસા ફાટી નીકળ્યા પછી કૃષિ કાયદા રદ કરવા મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલમાં તડાં પડી ગયા છે. ભારતીય કિસાન યુનિયન (ભાનુ)  સંગઠને આંદોલન સાથે છેડો ફાડી લીધા પછી લગભગ ૫૭ દિવસ પછી દિલ્હી-નોઈડાની ચિલ્લા સરહદ ટ્રાફિક માટે ખૂલી છે. બાગપત હાઈવે પર પણ પોલીસે આંદોલન કરી રહેલા ખેડૂતોને ખદેડી મૂક્યા છે. જોકે, ખેડૂત આંદોલનના મુખ્ય સ્થળ એવા સિંઘુ અને ગાઝીપુર સરહદો પર પોલીસની બળજબરીના પગલે લગભગ બે મહિના પછી ખેડૂતો અને પોલીસ ફરી આમને-સામને આવી ગયા છે. બીજીબાજુ દિલ્હીમાં હિંસાની તપાસ કરી રહેલી પોલીસે ખેડૂત નેતાઓ સહિત ૪૪ લોકો સામે લૂકઆઉટ નોટીસ જાહેર કરી છે અને તેમના પાસપોર્ટ પણ જપ્ત કરાશે.

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનું આંદોલન લગભગ ૬૦ દિવસ સુધી શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું. જોકે, પ્રજાસત્તાક દિને દિલ્હીમાં થયેલી હિંસા પછી આંદોલન કરી રહેલા ૪૦ ખેડૂત સંગઠનોમાં તડાં પડી ગયાં છે.   ભારતીય કિસાન યુનિયન (ભાનુ) સંગઠને આંદોલનને ટેકો પાછો ખેંચી લેવાની જાહેરાત કરતાં દિલ્હી-નોઈડાની ચિલ્લા સરહદ લગભગ ૫૭ દિવસ પછી ટ્રાફિક માટે ખુલ્લી થઈ ગઈ છે. આ સરહદેથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ તેમના તંબુ ઉઠાવી લીધા છે.

ખેડૂતોએ સહમતીથી ધરણાં ખતમ કર્યાનો પોલીસનો દાવો 

બીજીબાજુ બાગપતમાં બુધવારની મોડી રાતે પોલીસે ધરણાં સ્થળ પરથી ખેડૂતો પર લાઠીચાર્જ કરીને તેમના તંબુ ઊખાડી નાંખ્યા હતા અને તેમને ખદેડી મૂક્યા હતા. સ્થાનિક ખેડૂત નેતાઓએ પોલીસે તેમને બળજબરીથી ધરણાં સ્થળેથી હટાવ્યા હોવાનો દાવો કર્યો હતો જ્યારે પોલીસે કહ્યું હતું કે, ખેડૂતો પર કોઈ લાઠીચાર્જ કરાયો નથી. બધાની સંમતીથી જ ધરણાં ખતમ કરાયા છે. ખેડૂતોને સમજાવાતા તેઓ શાંતિથી પોતાના ઘરે જતા રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં આંદોલન ખતમ કરવા રાજ્ય સરકારના આદેશ

ખેડૂતોનું આંદોલન નબળું પડતું જોઈને ઉત્તર પ્રદેશ પોલીસે પણ તાત્કાલિક ગાઝીપુર સરહદે કલમ ૧૪૪ લાગુ કરીને ખેડૂતોને ધરણાં સ્થળ ખાલી કરવા આદેશ આપી દીધો છે. ગાઝીપુર સરહદ ખાલી કરવવા માટે પોલીસે કમર કસી લીધી છે. સરકારે અહીં વીજળી-પાણીનો પુરવઠો કાપી નાંખ્યો અને ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ અને અર્ધ સૈનિક દળો ખડી દીધા હતા. પોલીસે સરહદ પર બેરિકેડ કરીને રસ્તો બંને તરફથી બંધ કરી દીધો હતો. સૂત્રોએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ અને તંત્રને રાજ્યમાં બધી જ જગ્યાએથી ખેડૂત આંદોલનને ખતમ કરવા આદેશ આપ્યો છે. દિલ્હીની હિંસા પછી ગાઝીપુર હાઈવે પર સ્થાનિક લોકોએ પણ ખેડૂતોના આંદોલનનો વિરોધ કર્યો હતો અને પોલીસને ધરણાં સ્થળ ખાલી કરાવવા અપીલ કરતાં સૂત્રોચ્ચાર કર્યો હતો.

આંદોલન ચાલુ રાખવાની રાકેશ ટિકૈતની જાહેરાત

બીજીબાજુ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલન ચાલુ રહેશે તેવી જાહેરાત કરી હતી. રાકેશ ટિકૈતે જણાવ્યું કે, અમે અમારા ધરણાં ચાલુ રાખીશું અને સરકાર સાથે વાતચીત ન થાય ત્યાં સુધી ધરણાં સ્થળ ખાલી નહીં કરીએ. તંત્રએ પાણી અને વીજળી પૂરવઠા જેવી પાયાની સુવિધાઓ હટાવી દીધી છે. તંત્રના આ પગલાં પછી રાકેશ ટિકૈતે ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું અમારી સાથે અત્યાચાર થઈ રહ્યો છે. કૃષિ કાયદા રદ નહીં કરાય તો હું આત્મહત્યા કરી લઈશ. ભાવુક થઈ ગયેલા રાકેશ ટિકૈતે રડી પડતાં કહ્યું કે, ખેડૂતોને મારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હું ખેડૂતોને બરબાદ નહીં થવા દઉં. વધુમાં રાકેશ ટિકૈતે પોલીસ સમક્ષ સરન્ડર થવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે ૨૬મી જાન્યુઆરીએ થયેલી હિંસાની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની અને હિંસા માટે જવાબદાર લોકોના કોલ રેકોર્ડ જાહેર કરવાની માગણી કરી હતી. 

સિંઘુ સરહદ પર પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ

ખેડૂત આંદોલનના મુખ્ય સ્થળ સિંઘુ સરહદે પણ સરકારે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરી દીધા હતા. દિલ્હી-હરિયાણાને જોડતી સિંઘુ બોર્ડર પર પોલીસે આંદોલનકારી ખેડૂતોને આવતા રોકવા માટે બેરીકેડ લગાવી દીધી છે. ખેડૂતોએ આ બેરિકેડિંગનો વિરોધ કર્યો હતો. પોલીસે અહીં રસ્તો ખોદવા માટે એક જેસીબી મશીન પણ ગોઠવી દીધું છે. ગુરનામસિંહ ચઢૂનીએ જણાવ્યું હતું કે, બળજબરીથી ખેડૂતોને હટાવવાથી આંદોલન બંધ નહીં થાય. અમારા શ્વાસ ચાલશે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. હાલ અમારી કોઈ યોજના નથી. અમે બેઠક કરીને આગળની રણનીતિ અંગે નિર્ણય કરીશું.

રાકેશ ટિકૈત સામે યુએપીએ હેઠળ ફરિયાદ નોંધાઈ

દરમિયાન દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસાની પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. દિલ્હી પોલીસે આ સંદર્ભમાં ખેડૂત નેતાઓ સહિત ૪૪ લોકો સામે લૂકઆઉટ નોટીસ જાહેર કરી છે. દિલ્હીના અનેક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે અને આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવાયો છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત સામે યુએપીએ અને દેશદ્રોહના આરોપ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. એફઆઈઆરમાં અન્ય ખેડૂત નેતાઓમાં મેઘા પાટકર, યોગેન્દ્ર યાદવ, દર્શન પાલ, ગુરનામસિંહ, કુલવંતસિંહ સંધુ, સતનામસિંહ પન્નૂ, જોગિંદરસિંહ ઉગ્રા, સુરજિતસિંહ ફૂલ, જગજિતસિંહ ડાલેવાલ, બલબીરસિંહ રાજેવાલ અને હરિંદરસિંહ લાખોવાલનો સમાવેશ થાય છે. ખેડૂત નેતાઓ સામે હત્યાનો પ્રયાસ, રમખાણો કરાવવા સહિતના આરોપો હેઠળ આઈપીસીની કલમો હેઠળ ફરિયાદો કરાઈ છે. ૨૬મીએ ખેડૂત નેતાઓએ ઉશ્કેરણીજનક ભાષણો કર્યા હોવાનો પોલીસે દાવો કર્યો છે.