×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સિંગાપુરમાં કોરોના માટે ભારતીયોને જવાબદાર ઠેરવી વંશીય હિંસા, ઈન્ડિયન્સ ગો બેકના સૂત્રો લખાયા

નવી દિલ્હી,તા.19 મે 2021,બુઘવાર

સિંગાપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય મૂળના લોકો સાથે થઈ રહેલા વંશીય ભેદભાવની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને ચાઈનિઝ મૂળના લોકો ભારતીયોને ટાર્ગેટ બનાવી રહ્યા છે.

સિંગાપુરમાં ફેલાયેલા કોરોના વાયરસના ડબલ મ્યુટન્ટ માટે કેટલાક લોકો ભારતીય મૂળના લોકોને જવાબદાર ઠેરવીને સતત વંશીય ટિપ્પણીઓ કરી રહ્યા છે. ભારતીયોને ટેક્સી ચાલકો બેસાડતા નથી, બસ સ્ટેડન્ટ પર ઈન્ડિયન ગો બેક ના સૂત્રો લખેલા જોવા મળી રહ્યા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ભારતીય મૂળના લોકો બેઠા હોય તે સીટ પર બીજા લોકો બેસતા નથી.

હવે તો ભારતીયો સાથે વંશીય હિંસા પણ થઈ રહી છે. વાયરસને લઈને ભારતીય મૂળના લોકોને જવાદાર ઠેરવીને ગાળો આપવામાં આવી રહી છે. આવુ કરનારા મોટાભાગના ચીની નાગરિકો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતીય મૂળના નીતા નામના એક ટીચર નજીકના સ્ટેડિયમમાં વોક કરવા માટે ગયા હતા. તે સમયે તેમનો માસ્ક નાક નીચે જતો રહ્યો હતો અને આ જોઈને ચાઈનીઝ મૂળનો એક વ્યક્તિ ગુસ્સે થઈ ગયો હતો અને જોર જોરથી બૂમો પાડવા માંડ્યો હતો.

દરમિયાન નીતાએ કહ્યુ હતુ કે, એક્સરસાઈઝ કરતી વખતે માસ્ક નાક પર હોવો જરુરી નથી, આ સાંભળીને આ ચાઈનીઝ મૂળના વ્યક્તિએ તેમને લાત મારી હતી અને તેઓ જમીન પર પડી ગયા હતા. એ પછી નીતાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ભારતીયો પર વંશીય હુમલા અને ટિપ્પણીઓની શરુઆત સોશિયલ મીડિયાથી થઈ છે. એક ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ મુકવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, સિંગાપુરમાં કોરોના ફેલાવાનુ કારણ હિન્દુસ્તાનીઓ અને બીજા વિદેશીઓ છે. જેઓ સિંગાપુરના મૂળ નિવાસી નથી. આ પોસ્ટ કરનારા પર પોલીસે એક્શન પણ લીધા છે.

અન્ય એક ઘટનામાં એક ભારતીય પરિવાર 11 મેના રોજ સિંગાપુરમાં ફરી રહ્યો હતો ત્યારે 30 વર્ષના એક ચીની વ્યક્તિએ તેમની પાસે પહોંચીને રંગભેદી ટિપ્પણીઓ કરવાની શરુ કરી દીધી હતી. તે સતત આ પરિવારને કોરના માટે જવાબદાર ઠેરવી રહ્યો હતો. તેણે ભારતીય પરિવારને કહ્યુ હતુ કે, તમારા દેશમાં તમે પાછા જતા રહો.તમે અહીંયા વાયરસ ફેલાવી રહ્યા છે. જોકે આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને પોલીસે આ ચીની યુવકની ધરપકડ કરી હતી.

સિંગાપુર સંસદમાં પણ આવી ઘટનાઓનો પડઘો પડયો છે. સિંગાપુરના ગૃહ મંત્રીએ કહ્યુ હતુ કે, એક નાનકડો વર્ગ એવો છે જે ભારતીયો સામે વંશીય ભેદભાવના બીજ રોપી રહ્યો છે. જ્યારે પીએમ લીએ કહ્યુ હતુ કે, હું પણ આવી ઘટનાઓથી ચિંતિત છું.

ઉલ્લેખનીય છે કે, સિંગાપુરમાં રંગભેદ સામે 1960થી કડક કાયદા બનાવાયા છે અને ત્યારથી આવી ઘટનાઓ સાવ ઓછી થઈ ગઈ છે. હાલમાં સિંગાપુરમાં કોરોનાના 100 જેટલા કેસ છે.એક સપ્તાહ પહેલા માત્ર 43 લોકો કોરોનાગ્રસ્ત હતા. સિંગાપુરમાં વધતા કેસ માટે કોરોનાનો ડબલ મ્યુટન્ટ જવાબદાર મનાઈ રહ્યો છે. સિંગાપુરમાં ભારતથી આવનારા લોકો માટે ક્વોરેન્ટાઈનનો સમયગાળો વધારીને 21 દિવસ કરવામાં આવ્યો છે.