×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સાઉદી અરેબિયાએ આજથી 11 દેશના નાગરિકોની મુસાફરી પરનો પ્રતિબંધ હટાવ્યો, ભારતીયો પર પ્રતિબંધ ચાલુ


- સાઉદી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ 7 દિવસનો ક્વોરેન્ટાઈન પીરિયડ ફરજિયાત પોતાના ખર્ચે પૂરો કરવો પડે છે

નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર

સાઉદી અરેબિયાએ રવિવાર સવારથી 11 દેશના નાગરિકોની મુસાફરી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. જો કે આ 11 દેશના નાગરિકોએ સાઉદીની યાત્રા કરતી વખતે ક્વોરેન્ટાઈનની પ્રક્રિયાનું પાલન કરવું પડશે. સાઉદી અરેબિયાએ હજુ પણ ભારત સહિત 9 દેશોના નાગરિકોની મુસાફરી પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. 

સાઉદીએ જે 11 દેશોના મુસાફરોને છૂટ આપી છે જેમાં યુએઈ, જર્મની, અમેરિકા, આયરલેન્ડ, ઈટાલી, પોર્ટુગલ, યુનાઈટેડ કિંગ્ડમ, સ્વીડન, સ્વિત્ઝરલેન્ડ, ફ્રાંસ અને જાપાનનો સમાવેશ થાય છે. સાઉદીની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે આ 11 દેશના મુસાફરોને રવિવાર એટલે કે 30 મેથી દેશમાં પ્રવેશની મંજૂરી મળશે. 

મહામારીના પરિદૃશ્ય પર સ્થિરતા અને 11 દેશોમાં સંક્રમણ ફેલાતું અટકાવવા જે કારગર પગલાઓ લેવામાં આવ્યા તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાઉદીએ જે 9 દેશના નાગરિકોની મુસાફરી પરનો પ્રતિબંધ નથી હટાવ્યો તેમાં ભારત, પાકિસ્તાન, આર્જેન્ટિના, બ્રાઝિલ, તુર્કી, દક્ષિણ આફ્રીકા, લેબનોન, મિસ્ર અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. 

સાઉદી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ 7 દિવસનો ક્વોરેન્ટાઈન પીરિયડ ફરજિયાત પોતાના ખર્ચે પૂરો કરવો પડે છે. સાતમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવે ત્યાર બાદ ક્વોરેન્ટાઈન ફેસેલિટી છોડવાની મંજૂરી આપવામાં આવે છે.