×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સહકારી બેન્કો પર આઈટીના દરોડામાં રૂ. 1,000 કરોડનું કૌભાંડ ઝડપાયું


- કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલાં આઈટી વિભાગની કાર્યવાહી

- સહકારી સંસ્થાઓનો ઉપયોગ નાણાંનો વાસ્તવિક સ્રોત છુપાવવા અને નાણાં સગે-વગે કરવા માટે થતો હતો

નવી દિલ્હી : કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે આવકવેરા વિભાગે રાજ્યની કેટલીક સહકારી બેન્કો પર દરોડો પાડીને રૂ. ૧,૦૦૦ કરોડના બનાવટી ખર્ચ અને કથિત નાણાકીય અનિયમિતતાઓનું કૌભાંડ ઝડપી પાડયું છે, તેમ સીબીડીટીએ મંગળવારે જણાવ્યું હતું.

આવકવેરા વિભાગને આશંકા હતી કે આ બેન્ક 'તેના ગ્રાહકોની વિવિધ વ્યાવસાયિક સંસ્થાઓને લેણાં ચૂકવવામાંથી બચાવવા માટે તેમના નાંણાં સગે-વગે કરી રહી છે.' ત્યાર પછી આ બેન્કોના ૧૬ પરિસરોમાં ૩૧ માર્ચથી તપાસ શરૂ કરાઈ હતી. સીબીડીટીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ૩.૩ કરોડ રૂપિયાથી વધુની રોકડ અને બે કરોડ રૂપિયાથી વધુના ઘરેણાં જપ્ત કરાયા હતા.

સીબીડીટીએ ઉમેર્યું હતું કે, જપ્ત કરવામાં આવેલા પુરાવાથી ધ્યાનમાં આવે છે કે આ સહકારી બેન્ક વિવિધ વેપારી સંસ્થાઓ દ્વારા વિવિધ કાલ્પનિક સંસ્થાઓના નામે જારી કરવામાં આવેલા બેરર ચેક ડિસ્કાઉન્ટ કરવાના કૌભાંડમાં સંડોવાયેલ હતી. આ બિઝનેસ એકમોમાં કોન્ટ્રાક્ટર્સ, રિયલ એસ્ટેટ કંપનીઓ વગેરેનો સમાવેશ થાય છે અને બેરર ચેક્સના ડિસ્કાઉન્ટિંગ સમયે કેવાયસી નિયમોનું કોઈ પાલન કરવામાં આવતું નહોતું.

આવકવેરા વિભાગને જણાયું હતું કે, ડિસ્કાઉન્ટ કર્યા પછીની રકમ આ બેન્કો સાથે જોડાયેલી ચોક્કસ સહકારી સોસાયટીઓના ખાતામાં જમા કરવામાં આવતી હતી. આઈટી વિભાગે શોધી કાઢ્યું હતું કે, કેટલીક સહકારી સંસ્થાઓએ પાછળથી તેમના ખાતામાંથી રોકડમાં ભંડોળ ઉપાડયું હતું અને વિવિધ વ્યાવસાયિક સંસ્થાઓને તે રકમ પરત કરી હતી.  મોટી સંખ્યામાં ચેક પર આવું ડિસ્કાઉન્ટ આપવાનો હેતુ રોકડ ઉપાડના વાસ્તવિકા સ્રોતને છુપાવવાનો હતો અને વ્યાવસાયિક સંસ્થાઓને બોગસ ખર્ચાઓ નોંધાવવામાં સક્ષમ બનાવવાનો હતો તેમ આવકવેરા વિભાગે કહ્યું હતું.