×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સસ્તી EV માટે સમય લાગશે ત્યાં સુધી હાઈબ્રીડ કે ઈથેનોલ ઉપર આધાર


- 40 વર્ષથી મારૂતિ માટે કાર્યરત સૌથી વરિષ્ઠ ઓટો એક્ઝીક્યુટીવ આર. સી. ભાર્ગવનો મત

અમદાવાદ તા. 28 ઓગષ્ટ 2022, રવિવાર 

વિશ્વના ચોથા સૌથી મોટા કાર ઉત્પાદક દેશ ભારતમાં યુરોપ કે અમેરિકા જેટલી ઝડપથી ઇલેક્ટ્રિક વ્હીકલ ગ્રાહકો ખરીદી શકશે નહી એના માટે સમય લાગશે અને સમય દરમિયાન પર્યાવરણની જાળવણી માટે સરકાર અને ઉદ્યોગોએ કોઈ મધ્યમાર્ગ વિચારવો પડશે, એમ દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી લીમીટેડના ચેરમને આર.સી. ભાર્ગવે જણાવ્યું હતું. 

“વિશ્વના અન્ય દેશો કરતા ભારતની બજાર અલગ છે. દુનિયાના મોટા વાહન બજારો વાળા દેશોમાં ભારત એકમાત્ર એવું બજાર છે કે જ્યાં ટુ વ્હીલર (સ્કુટર અને મોટરસાયકલ) વધારે વેચાય છે. લોકોની આવક ઓછી છે અને તેના કારણે મોટરકારની ખરીદી અને તેની જાળવણી હજુપણ મોંઘી લાગે છે. અમેરિકા કે યુરોપના બજારમાં હવે કારની માંગ એક ક્ષમતાથી વધારે વધી શકે એમ નથી. ત્યાં લોકોની આવક ભારત કરતા વધારે છે, વીજળીની ઉપલબ્ધિ છે, ચાર્જીગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું સરળ છે. ભારતમાં આમ કરતા સમય લાગશે. બીજું, ઇલેક્ટ્રિક વાહનની કિંમત નીચી આવે કે પેટ્રોલ વાહન કરતા ઘટે એ અત્યારની ટેકનોલોજીમાં શક્ય જણાતું નથી એટલે ભારતે સસ્તા ઇલેક્ટ્રિક વાહનો માટે હજુ રાહ જોવી પડશે,” એમ (વર્ષ 1981થી ભારતમાં મારૂતિ શરૂ થઇ) ચાર દાયકાથી ઓફિસર ઓન સ્પેશીયલ ડ્યુટી તરીકે જોડાયેલા ભાર્ગવે જણાવ્યું હતું 

આર. સી. ભાર્ગવ ભારત સરકારમાં સચિવ તરીકે કાર્ય કરતા હતા. સરકાર અને જાપાનની કંપનીએ સંયુક્ત સાહસ તરીકે ભારતમાં મારૂતિ ઉદ્યોગ લીમીટેડની સ્થાપના કરી એ સમયે વર્ષ એક લાખ ગાડીઓની ઉત્પાદન ક્ષમતા સાથે આ પ્લાન્ટ શરૂ કર્યો હતો. મારૂતિમાં ઓફિસર, પછી ડીરેક્ટર અને હવે ચેરમેન તરીકે કાર્યરત 89 વર્ષીય ભાર્ગવ દેશના મોટરકાર ઉદ્યોગ ક્ષેત્રના સૌથી અનુભવી વ્યક્તિ છે તેમ ચોક્કસ કહી શકાય. 

વિશ્વમ ભારત એક એવી બજાર છે જ્યાં હજુ પણ એન્ટ્રી લેવલ કાર (સૌથી સસ્તી ગાડીઓ જે વધારે લોકોને પરવડે) તેનો હિસ્સો અન્ય કારના વેચાણ કરતા વધારે છે. આ સ્થિતિમાં ગ્રાહકને જે પરવડે છે તેની જ એ ખરીદી કરી રહ્યો છે. ઇલેક્ટ્રિક વ્હીકલ સામે કે ટેકનોલોજી સામે મારો અંગત વિચાર છે કે તે સસ્તી નહી હોવાથી ભારતમાં તેનું વેચાણ અન્ય દેશો જેટલું ઝડપી વધી શકશે નહી. પેટ્રોલના વાહન કરતા પણ ઇલેક્ટ્રિક વ્હીકલ સસ્તા થાય એના માટે રાહ જોવી દ્પશે અને એ સમયસુધી પેટ્રોલ કે ડિઝલના વિકલ્પ તરીકે ભારતે મધ્યમાર્ગ ખોળવો પડશે. આ માટે હાઈબ્રીડ ગાડીઓ, વધારે માઈલેજ આપે તેવી ગાડીઓ કે પછી ઇથેનોલ મિશ્રિત ઇંધણ ઉપર ત્યાં સુધી ભાર આપવો જોઈશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

એક ઉદ્યોગ કે કંપની તરીકે ગ્રાહકો જે માંગે તે ચીજ બનવી જ જોઈએ. “જો મોટરકાર વધારે પરવડે એવી હોય તો ગ્રાહક તે ચોક્કસ ખરીદશે. અત્યારે મોંઘી કે મીડ-સેગ્મેન્ટ કે એસયુવી કારની ખરીદી થઇ રહી છે તો કંપનીઓ એ બનાવી રહી છે. ટુ-વ્હીલરની સ્પ્રધામાં ટકી રહેવા માટે કાર ઉત્પાદકોએ પણ સસ્ત ફેરફાર કરતા રહેવા પડશે બીજો કોઈ વિકલ્પ જ નથી,” એમ ભાર્ગવે જણાવ્યંક હતું. 

રવિવારે જાપાનની સુઝુકી મોટર્સના ગુજરાત ખાતેના નવા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઇલેક્ટ્રિક બેટરી પ્લાન્ટ બાંધકામની શરુઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાની છે. રૂ.10,400 કરોડના મૂડીરોકાણથી મારૂતિની પેરેન્ટ કંપની સુઝુકી આ પ્લાન્ટ સ્થાપી રહી છે. અત્યારે ગુજરાતના હાંસલપુર ખાતેના ત્રણ એકમો થકી કંપની વર્ષે 7.5 લાખ વાહનની ઉત્પાદન ક્ષમતા સાથે કાર્યરત છે. 

“આ બેટરી અને વ્હીકલ પ્લાન્ટ પણ અમારી પેરન્ટ કંપની સુઝુકી દ્વારા સ્થાપવામાં આવી રહ્યો છે. જે રીતે અહી ઉત્પાદિત ગાડીઓ અમને ઉત્પાદન ખર્ચે વેચવામાં આવી રહી છે તે રીતે જ અમારા ઇલેક્ટ્રિક વ્હીકલ અને બેટરી પણ અમને સુઝુકી ઉત્પાદન ખર્ચના ધોરણે આપશે જેનું ભારતમાં વેચાણ થશે અને નિકાસ પણ થશે,” એમ કંપનીના નવા પ્રોજેક્ટ અંગે માહિતી આપતા ચેરમેને જણાવ્યું હતું. 

મારૂતિ વર્ષ 2025થી દેશમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ હાથ ધરે એ ઉદ્દેશ સાથે અત્યરે કામગીરી થઇ રહી છે પણ અત્યારના તબક્કે ગાડીની કિંમત કે સ્થાનિક બેટરી ઉત્પાદનથી કેટલી ફાયદો થશે એ અંગે વિગતો આપવા પોતે અસમર્થ હોવાનું ભાર્ગવે જણાવ્યું હતું. 

આ વર્ષે ભારતના ઈતિહાસમાં સૌથી વધુ કાર ઉત્પાદન થશે

કોરોનાકાળમાંથી છેલ્લા એક વર્ષથી ઉદ્યોગો અને બજારમાં ગ્રાહક બન્ને મુક્ત થઇ ગયા છે ફરીથી ખરીદી જોવા મળી રહી છે તેમ જણાવતા ભાર્ગવે ઉમેર્યું હતું, “અત્યારે સેમીકન્ડકટરની અછતનો ઉદ્યોગો સામનો કરી રહ્યા છે. ગાડીઓના ઓર્ડર છે પણ ઉત્પાદન એટલું થઇ શકતું નથી.સ્થિતિ સુધરી રહી છે પણ ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં ભારતમાં ક્યારેય થયું નથી એટલું ઐતિહાસિક ઊંચું કાર પ્રોડક્શન જોવા મળશે.”

જાહેર સાહસો નિષ્ફળ, આર્થિક વિકાસ માટે ખાનગીકરણ શ્રેષ્ઠ

અર્થતંત્રના વિકાસ માટે જાહેર સાહસનું મોડેલ એક નિષ્ફળ મોડેલ છે. “માત્ર રાજકીય હસ્તક્ષેપ નહી પણ કાયદાકીય, બંધારણીય, અંકુશ સહિતની ઉણપ જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલી હોય છે. માત્ર ભારતમાં જ નહી રશિયા, ફ્રાંસ, જાપાન કે યુનાઇટેડ કિંગડમમાં પણ તે નિષ્ફળ રહ્યા છે. અર્થતંત્ર અને ઉદ્યોગોના વિકાસ માટે ખાનગીકરણ જ શ્રેષ્ઠ માર્ગ છે. ભારતમાં હવે સરકારી સાહસોના ખાન્ગીક્રને ગતિ પકડી છે બેંકો અને વીમા કંપનીઓ પણ ખાનગીકરણ આવી ગયું છે,” એમ આર. સી. ભાર્ગવે જણાવ્યું હતું. 

મારૂતિ ધીમી હશે, પણ ફરી બજાર હિસ્સો વધશે

દેશના પેસેન્જર કાર બજારમાં ગ્રાહકોની બદલાયેલી પસંદ અને અન્ય કંપનીઓએ અપનાવેલી નવી સ્ટ્રેટેજીથી મારૂતિ સુઝુકીનો બજાર હિસ્સો છેલ્લા વર્ષોમાં ૫૫ ટકાથી ઘટી ૪૪ ટકા જેટલો થઇ ગયો છે. આ વાતનો સ્વીકાર કરતા તેમણે જણાવ્યું હતું આ એક પડકાર છે. “અગાઉ પણ આવો પડકાર અમારી સામે હતો જયારે અમારી પાસે ડિઝલ કાર ન હતી. એ પછી અમે ફરી ટેકનોલોજી ડેવલપ કરી આગળ નીકળ્યા. આજે ફરી પડકાર આવ્યો છે અમે ફેરફાર કરી રહ્યા છીએ. અમારા ફેરફાર ધીમા હશે પણ અમે ફરી વધારે બજાર હિસ્સો મેળવી લઈશું. બીજું જે રીતે વાહનોનું વેચાણ વધી રહ્યું છે, સુઝુકીની ગાડીઓનું વેચાણ પણ વધી રહ્યું છે,” એમ ભાર્ગવે જણાવ્યું હતું.