×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરહદ વિવાદ: મહારાષ્ટ્રના આ નિર્ણય પર ગુસ્સે થયા કર્ણાટકના CM, અમિત શાહે કરવી પડી અપીલ

બેંગલુરુ, તા.27 ડિસેમ્બર-2022, મંગળવાર

બેલગામ પર મહારાષ્ટ્ર સરકારના પ્રસ્તાવ સામે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ વાંધો ઉઠાવ્યો છે. તેમણે મહારાષ્ટ્ર સરકારના પ્રસ્તાવ પર સવાલ ઉઠાવ્યા છે અને મામલો સુપ્રીમ કોર્ટમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે આ દરખાસ્તોનો કોઈ અર્થ નથી. બોમાઈએ કહ્યું કે, અમે અમારી એક ઈંચ જમીન પણ નહીં આપીએ. અમે અમારા લોકોની સુરક્ષા કરીશું અને મહારાષ્ટ્ર સરકારના નિર્ણયની નિંદા કરીએ છીએ.

મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સીમા વિવાદ

ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં 18 વર્ષથી પેન્ડિંગ છે. બંને રાજ્યો વચ્ચેનો સીમા વિવાદ પાંચ દાયકા કરતાં વધુ જૂનો છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીમા વિવાદ અંગે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓને મળ્યા હતા અને શાંતિ જાળવવાની અપીલ પણ કરી હતી. કેટલાક મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ હોવાનો દાવો કરાયો હતો. હવે ફરી એકવાર સીમા વિવાદનો મામલો ગરમાયો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં મંગળવારે સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરાયો. પ્રસ્તાવ મુજબ કર્ણાટકનાં 865 મરાઠી ભાષી ગામોને રાજ્યમાં સામેલ કરવા કાયદેસર રીતે આગળ લઈ જવામાં આવશે.

અમે સરહદની બહાર પણ અમારા લોકોની સુરક્ષા કરીશું : બોમાઈ

કર્ણાટક સરકારે મહારાષ્ટ્ર સરકારના આ પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવ્યો છે. બોમાઈએ કહ્યું કે, મહારાષ્ટ્રના ઠરાવનો કોઈ અર્થ નથી અને કાયદેસર નથી. અમે મહારાષ્ટ્રના નિર્ણયની નિંદા કરીએ છીએ. રાજ્ય પુનર્ગઠન કાયદો પસાર થયાને ઘણા વર્ષો થઈ ગયા છે. બંને રાજ્યોના લોકો ખુશ છે. મહારાષ્ટ્રમાં રાજકારણ કરવાની આદત છે. અમે અમારા વલણ પર અડગ છીએ. અમે અમારી એક ઇંચ જમીન પણ નહીં આપીએ. અમારી સરકાર સરહદની બહાર પણ કન્નડના લોકોની સુરક્ષા કરશે. જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે તેઓ પ્રસ્તાવ કેમ પસાર કરી રહ્યા છે? અમને કોર્ટ પર વિશ્વાસ છે.

શું છે સમગ્ર મામલો

આઝાદી પહેલા મહારાષ્ટ્ર મુંબઈના રજવાડા તરીકે જાણીતું હતું. આજના સમયમાં કર્ણાટકના વિજયપુરા, બેલાગવી, ધારવાડ અને ઉત્તરા કન્નડ અગાઉ મુંબઈના રજવાડાનો ભાગ હતા. આઝાદી બાદ જ્યારે રાજ્યોના પુનર્ગઠનની કામગીરી ચાલી હતી, ત્યારે બેલાગવી નગરપાલિકાએ તેને પ્રસ્તાવ મુજબના મહારાષ્ટ્રમાં સામેલ કરવાની માગણી કરી, કારણ કે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષીઓ વધુ છે. ત્યારબાદ 1956માં જ્યારે ભાષાના આધારે રાજ્યોના પુનર્ગઠનની કામગીરી ચાલી રહી હતી, ત્યારે મહારાષ્ટ્રના કેટલાક નેતાઓએ બેલગાવી (અગાઉનું બેલગામ), નિપ્પાણી, કારાવાર, ખાનપુર અને નંદગાડને મહારાષ્ટ્રનો ભાગ બનાવવાની માંગ કરી.

જ્યારે આ વિવાદ વધુ ચગ્યો ત્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મેહરચંદ મહાજનની અધ્યક્ષતામાં એક પંચની રચના કરી હતી. આ કમિશને તેનો રિપોર્ટ 1967માં સુપરત કર્યો હતો. પંચે મહારાષ્ટ્રને નિપ્પાની, ખાનપુર અને નંદગાડ સહિત 262 ગામો આપવાનું સૂચન કર્યું હતું, જેની સામે મહારાષ્ટ્રે વાંધો ઉઠાવ્યો કારણ કે તે બેલાગવી સહિત 814 ગામોની માંગણી કરી રહ્યું હતું. મહારાષ્ટ્રનું કહેવું છે કે કર્ણાટકના હિસ્સામાં જે ગામોનો સમાવેશ કરાયો છે તેને તેમનામાં સામેલ કરવામાં આવે, કારણ કે ત્યાં મરાઠી ભાષીઓની વધુ વસ્તી છે. પરંતુ કર્ણાટક ભાષાકીય આધાર પર રાજ્યોની રચના અને 1967ના મહાજન કમિશનના અહેવાલમાં માને છે. કર્ણાટક બેલાગાવીને તેનું અભિન્ન અંગ ગણાવે છે. ત્યાં સુવર્ણ વિધાન સૌધની પણ રચના કરાઈ છે, જ્યાં દર વર્ષે વિધાનસભાનું સત્ર યોજાય છે.