×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકાર રેમડેસિવિર-ઓક્સિજન ઉપલબ્ધ કરાવે, રેમડેસિવિર ક્યારે અને કોને આપવું એ અમને આવડે છે : ડો. ભરત ગઢવી

અમદાવાદ, તા. 21 એપ્રિલ 2021, બુધવાર

રાજ્યમાં અત્યારે કોરોના વાયરસનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને છેલ્લા 15 દિવસની અંદર કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઇ છે, જેના કારણે ઓક્સિજન અને રેમડેસિવિર ઇંજેક્શનની અછત સર્જાઇ છે. છેલ્લા થોડા દિવસોથી દર્દીના પરિજનો રેમડેસિવિર માટે આમથી તેમ કલાકો સુધી ભટકી રહ્યાછે. 12-12 કલાક લાઇનોમાં ઉભા રહેવા અને અનેક ગણા ભાવ આપવા છતા ક્યાંય રેમડેસિવિર મળતું નથી.

આ સિવાય રેમડેસિવિર પર રાજકિય જંગ પણ શરુ થયો છે. ભાજપ પ્રમુખ સીઆર પાટિલે કરેલા 5000 ઇંજેક્શન મુદ્દે અનેક સવાલો ઉઠ્યા હતા. આ વિષય પર મુખ્યમંત્રી રુપાણી અને પાટિલ પણ સામસામે આવી ગયા હતા. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જે મુદ્દે સરકાર અને પાટિલને નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે હવે રેમડેસિવિર મુદ્દે ડોક્ટરો અને સરકાર સામસામે આવી ગયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિયેશન (AHNA)ને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ AHNAએ તની સામે વાંધો ઉઠાવ્યો છે. AHNAના ડોક્ટરોએ સરકાર અને AMC પર રોષ ઠાલવ્યો છે. હાલમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેક્શન માટે હોસ્પિટલોને પ્રાયોરિટી આપવામાં આવશે. ત્યાર બાદ વધશે તો હોમઆઇસોલેશનમાં રહેલા દર્દી માટે ઈન્જેક્શન અપાશે.

ત્યારબાદ AHNAના પ્રમુખ ડો. ભરત ગઢવીએ કહ્યું કે AHNAએ એવા લોકો માટે રેમડેસિવિર ઇંજેક્શનની માંગ કરી છે જે લોકોને હોસ્પિટલમાં જગ્યા નથી મળી અને ઘરે સારવાર લઇ રહ્યા છે. અમે હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓ માટે ઇંજેક્શનની માંગ કરી નથી. ડો. ગઢવીએ કહ્યું કે સરકાર રેમડેસિવિર અને ઓક્સિજન ઉપલબ્ધ કરાવે, રેમડેસિવિર ક્યારે અને કોને આપવું એ અમને આવડે છે. 

સત્તાધીશો અમને ધમકી આપવાનો પ્રયાસ ન કરે અને અમારે કઇ રીતે પ્રેક્ટીસ કરવી એ અમને ના શીખવાડે. દોઢ વર્ષથી કોરોના સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એટલે રેમડેસિવિર ક્યારે આપવું એનો ડોક્ટરને અનુભવ છે. તેમણે આગળ કહ્યું કે સરકારે ઓક્સિજન સપ્લાય માટે કોલ સેન્ટર ઉભુ કરવું જોઇએ અને 24/7 એક અધિકારીને જવાબદારી સોંપાવી જોઇએ.