×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારોની ઈરાદાપૂર્વકની ઢીલી નીતિ લોકતંત્ર માટે સારી નથી : સીજેઆઈ


નવી દિલ્હી, તા.૩૦
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત ૧૧મા મુખ્યમંત્રીઓ અને મુખ્ય ન્યાયાધીશોના સંયુક્ત સંમેલનમાં મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) એનવી રમણે જણાવ્યું હતું કે, આપણે બંધારણમાં દોરાયેલી 'લક્ષ્મણ રેખા'ને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. નગરપાલિકા, ગ્રામ પંચાયતો સહિત સરકારો તેમના કર્તવ્યોનું પાલન કરે તો ન્યાયતંત્ર ક્યારેય શાસનના રસ્તામાં નહીં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે સરકારોની ઈરાદાપૂર્વકની ઢીલી નીતિ લોકતંત્ર માટે સારી નથી. કોર્ટના આદેશોનું વર્ષો સુધી સરકારો દ્વારા પાલન કરવામાં આવતું નથી અને ઈરાદાપૂર્વક નિષ્ક્રિયતા દાખવવામાં આવે છે.
રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોના સંયુક્ત સંમેલનના ઉદ્ધાટન સત્રને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, દેશમાં ૪.૧૧ કરોડ કેસ પેન્ડિંગ છે. સરકારો જ સૌથી વધુ કેસ કરે છે અને ૫૦ ટકાથી વધુ કેસોમાં તે જ પક્ષકાર છે. બંધારણમાં ધારાસભા એટલે કે સંસદ અને વિધાનસભા, ન્યાયતંત્ર અને વહીવટીતંત્રની જવાબદારીઓને વિસ્તારથી વિભાજિત કરાઈ છે. આ ત્રણેય અંગો વચ્ચે સામંજસ્યથી જ લોકતંત્ર મજબૂત બનશે. આપણે આપણી 'લક્ષ્મણ રેખા'નંસ ધ્યાન રાખવું જોઈએ. ગવર્નન્સનું કામ કાયદા મુજબ હોય તો ન્યાયતંત્ર ક્યારેય તેના રસ્તામાં નહીં આવે. નગરપાલીકાઓ, ગ્રામ પંચાયતો અને સરકારો તેમના કર્તવ્યોનું પાલન કરે, પોલીસ યોગ્ય રીતે તેમના કેસોની તપાસ કરે અને ગેરકાયદે કસ્ટોડિયલમાં લોકોની હેરાનગતિ સમાપ્ત થાય અથવા મોત ના થાય તો લોકોને અદાલતોમાં આવવાની જરૂર જ નહીં પડે.
તેમણે ઉમેર્યું હતું કે, અનેક વખત કોર્ટના ચૂકાદાઓને સરકારો વર્ષો સુધી લાગુ નથી કરતી. ઈરાદાપૂર્વક કોર્ટના આદેશ પર કાર્યવાહી ન કરવી દેશ માટે યોગ્ય નથી. કાયદા વિભાગના સૂચનો અને મત એક્ઝિક્યુટિવ અવગણના કરીને નિર્ણયો લે છે. જોકે, નીતિ બનાવવી અમારું અધિકાર ક્ષેત્ર નથી, પરંતુ કોઈ નાગરિક તેની ફરિયાદ લઈને અમારી પાસે આવે તો અદાલત મોં ફેરવી શકે નહીં.
તેમણે ન્યાયતંત્ર પર પડતા બોજને પણ મોટી સમસ્યા ગણાવી. તેમણે કહ્યું કે, કાયદો બનાવતી વખતે તેનાથી પ્રભાવિત થનારા લોકોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. સંબંધિત લોકોની જરૂરિયાતો અને આકાંક્ષાઓનો સમાવેશ કરતા ગંભીર ચર્ચા કર્યા પછી કાયદા બનવા જોઈએ. અનેક વખત અધિકારીઓના ગેર-પ્રદર્શન અને ધારાસભાની નિષ્ક્રિયતાના કારણે કોર્ટ કેસ થાય છે, જે ટાળવા જોઈએ. તેનાથી ન્યાયતંત્ર પરનો બોજ ઓછો થઈ શકે.
 સીજેઆઈએ જનહિત અરજીઓ (પીઆઈએલ)ના મુદ્દે કહ્યું કે, પીઆઈએલ હવે પબ્લિક ઈન્ટ્રેસ્ટ લિટિગેશનના બદલે પ્રાઈવેટ ઈન્ટ્રેસ્ટ લિટિગેશન બની ગઈ છે. પીઆઈએલની પાછળના સારા ઈરાદાઓનો હવે દુરુપયોગ થાય છે, કારણ કે તેને પ્રોજેક્ટ રોકવા અને સરકારી અધિકારીઓ પર દબાણ લાવવા માટે તેને વ્યક્તિગત હિત અરજીમાં બદલી દેવાઈ છે. તે રાજકીય અને કોર્પોરેટ પ્રતિસ્પર્ધીઓ સાથે સ્કોર નિશ્ચિત કરવાનું એક સાધન બની ગઈ છે. મહત્વહીન અરજીઓની વધતી સંખ્યા પણ ન્યાયતંત્ર માટે ચિંતાની બાબત છે.
આ સાથે મુખ્ય ન્યાયાધીશે દેશમાં ન્યાયતંત્રમાં ખાલી જગ્યાઓ ભરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, આજે વિવિધ હાઈકોર્ટ્સમાં ૧,૧૦૪ પોસ્ટ્સ મંજૂર થયેલી છે, જેમાંથી ૩૩૮ પદો ખાલી છે. ગયા વર્ષે વિવિધ હાઈકોર્ટ્સમાં નિમણૂકો માટે ૧૮૦ ભલામણો કરાઈ હતી, જેમાંથી ૧૨૬ નિમણૂકો થઈ છે. જોકે, ૫૦ દરખાસ્તો હજુ પણ સરકારની મંજૂરીની રાહ જૂએ છે. દેશમાં આજે ૧૦ લાખની વસતીએ માત્ર ૨૦ જજ છે, જે ચેતવણીના સંકેત આપે છે.
આ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કાયદા મંત્રી કિરણ રિજિજૂ, રાજ્યોના મુખ્યમંત્રીઓ, સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટના ન્યાયાધીશો, ટ્રિબ્યુનલના પ્રમુખ અને તમામ ન્યાયિક અધિકારીઓ હાજર રહ્યા હતા.