×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારે પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સમાંથી રૂ. ૫.૨૫ લાખ કરોડની કમાણી કરી


નવી દિલ્હી, તા.૨૨

છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાકાળમાં જનતા કોરોના અને ઠપ્પ થઈ ગયેલા કામધંધાથી હેરાન છે. એક તરફ કોરોનાને કારણે અનેક પરીવારોમાં કમાણી કરનાર મુખ્ય વ્યક્તિના મોતને પગલે આવા પરિવારો મુશ્કેલીમાં સપડાયા છે જ્યારે બિઝનેસ ઠપ્પ થઈ જવાથી અનેક લોકો સામે આજીવિકાનું સંકટ સર્જાયું છે. આટલું ઓછું હોય તેમ જનતા મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાથી પણ પરેશાન છે. આ બધા છતાં કેન્દ્ર સરકારે આવકવેરાની કમાણી કરતાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સથી વધુ કમાણી કરી છે.

છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સરકારને આવકવેરા સ્વરૂપે રૂ. ૪.૬૯ લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ છે જ્યારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડયુટી અને રાજ્ય સરકારોના વેટ સ્વરૂપે રૂ. ૫.૨૫ લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. સરકારને આ કમાણી પણ એવા સમયે થઈ છે જ્યારે મોંઘવારી, લૉકડાઉન તથા આંશિક નિયંત્રણોના કારણે પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ઘટાડો થયો છે. 

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ની સરખામણીમાં વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ૧૦.૫ ટકા ઘટયો છે. આ રીતે ૨૦૧૯-૨૦ની સરખામણીમાં ૨૦૨૦-૨૧માં પેટ્રોલ ડીઝલના ટેક્સથી સરકારને ૨૫ ટકા નફો થયો છે. આ દરમિયાન કંપનીઓએ સરકારને ૪.૫૭ લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ સ્વરપે આપ્યા છે. પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડયુટી અને રાજ્ય સરકારો વેટની વસૂલાત કરે છે. સાથે કેટલાક અન્ય ચાર્જીસ અને ટેક્સ પણ વૂસલવામાં આવે છે.

ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઐતિહાસિક તળીયે જઈને માઈનસમાં ગયા હતા ત્યારે આ ઘટાડાનો લાભ રીટેલ ગ્રાહકોને આપવાના બદલે પોતાની આવક વધારવા માટે ૬ઠ્ઠી મે, ૨૦૨૦ના રોજ એક્સાઈઝ ડયુટીમાં એક જ દિવસમાં પેટ્રોલ પર રૂ. ૧૦ અને ડીઝલ પર રૂ. ૧૩નો વધારો કર્યો હતો. પરીણામે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો નહોતો. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ વચ્ચે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોરોના વાઈરસના કારણે લાગુ થયેલા લૉકડાઉનના પગલે લગભગ ૮૨ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં દૈનિક ફેરફાર બંધ કરી દીધા હતા. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર થતાં ૭મી જૂન, ૨૦૨૦થી પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો શરૂ થયો હતો અને સતત ૧૫ દિવસ સુધી ભાવ વધતાં પેટ્રોલ અને ડીઝલ બે વર્ષની ટોચે પહોંચ્યા હતા. 

હવૈ વૈશ્વિક સ્તરે લૉકડાઉન હળવા થયા હોવાથી ઈંધણમાં વપરાશ વધવાની આશાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૭૨ ડોલરની નજીક સ્થિર થયા છે. વધુમાં ડોલર સામે રૂપિયામાં પણ નરમાઈ આવી હોવાથી સરકારી ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નિયમિત સમયાંતરે વધારો કરી રહી છે. દરમિયાન પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીના સમયમાં ૧૮ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલમાં કોઈ ભાવધારો થયો નહોતો. આ ચૂંટણીઓ પૂરી થયા પછી સરકારી ઓઈલ કંપનીઓએ ૪થી મેથી પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો શરૂ કર્યો છે, જેને પગલે પેટ્રોલનો ભાવ આઠથી વધુ રાજ્યોમાં રૂ. ૧૦૦ની ઐતિહાસિક સપાટીને પાર થઈ ગયો છે. રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં ડીઝલે પણ રૂ. ૧૦૦ની સપાટી વટાવી છે. આમ છતાં સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડા માટે તૈયાર નથી.