×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારે ત્રણેય કૃષિ કાયદા રદ કરવા પડ્યા : ખેડૂતોની જીત


નવી દિલ્હી, તા.૧૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશ પર્વના દિને રાષ્ટ્રને સંબોધન કરતાં અંતે છેલ્લા એક વર્ષમાં ૭૦૦થી વધુ આંદોલનકારી ખેડૂતોના મોત પછી અંતે વિવાદાસ્પદ ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતાં શોકમગ્ન સ્થિતિમાં વડાપ્રધાને દેશની 'ક્ષમા' માગતા કહ્યું કે અમે ખેડૂતોને સમજાવી શક્યા નહીં. અમારી દાનક એકદમ સારી  અને પવિત્ર હતી, પરંતુ અમે ખેડૂતોના એક વર્ગને આ બાબત સમજાવી શક્યા નહીં. કદાચ અમારી તપસ્યામાં જ કોઈ ખામી રહી ગઈ હશે. અમારી સરકારે કૃષિ અને ખેડૂતોની ભલાઈ માટે તમામ મોટા નિર્ણયો લીધા છે. વડાપ્રધાને કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરતાં પહેલાં ખેડૂતોના હિતમાં તેમની સરકારે લીધેલા અનેક મોટા નિર્ણયોની યાદી પણ ગણાવી હતી. આ સાથે તેમણે એમએસપી સંબંધિત મુદ્દાઓ પર વિચારણા કરવા માટે એક સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ નાન જયંતીના પ્રસંગે રાષ્ટ્રને નામ સંબોધનમાં વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરતાં આંદોલનકારી ખેડૂતો અને કૃષિ સંગઠનોને તેમનું આંદોલન સમાપ્ત કરી ઘરે પાછા ફરવા વિનંતી કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, સંસદના શિયાળુ સત્રમાં આ કાયદાઓ રદ કરવાની બંધારણિય પ્રક્રિયા પૂરી કરાશે.
વડાપ્રધાન મોદીના આ નિર્ણયથી ભાજપને પણ રાહત મળી છે, કારણ કે આ કૃષિ કાયદાનો મોટાભાગે પંજાબ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ભારે વિરોધ થઈ રહ્યો હતો. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આથી ભાજપને હવે આશા છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતોની નારાજગી દૂર કરી શકાશે.
વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરતાં તેમની સરકારે છેલ્લા સાત વર્ષમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના કલ્યાણ માટે તેમની સરકારે અનેક પગલાંઓ લીધા છે. ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવા અમે બીજ, વીમા, બજાર અને બચત એમ ચારેય સ્તરે કામ કર્યું છે. ખેડૂતોને વળતર આપવાના જૂના નિયમો પણ બદલ્યા. પરિણામે છેલ્લા ચાર વર્ષમાં એક લાખ કરોડથી વધુ રૂપિયાનું વળતર ખેડૂત ભાઈ-બહેનોને મળ્યું છે.
વડાપ્રધાને તેઓના રાષ્ટ્રજોગ પ્રવચનમાં કહ્યું હતું કે, ૨૦૧૪માં જ્યારે મને રાષ્ટ્રની સેવા કરવાની તક આપવામાં આવી ત્યારે સરકારે કૃષિ ક્ષેત્રને અને ખેડૂતોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. બીજી તરફ સરકાર ખેડૂતોના એક વર્ગને આ કૃષિ કાયદાનું મૂલ્ય સમજાવવામાં પણ નિષ્ફળ ગઈ હતી. સરકારે કૃષિ કાયદાને બે વર્ષ સુધી પેન્ડિંગ રાખવા અને કાયદામાં વાંધાજનક જોગવાઈઓમાં ફેરફાર કરવાની દરખાસ્ત પણ કરી હતી, પરંતુ તે શક્ય થઈ શક્યું નહીં. તેથી છેવટે આ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો'
તેઓએ વધુમાં કહ્યું કે, અમે માત્ર ન્યુનતમ ટેકાના ખરીદ ભાવો જ વધાર્યા નથી પરંતુ (અનાજ) ખરીદી માટે સરકારી ખરીદ કેન્દ્રોની પણ સંખ્યા વધારી છે. વળી, સરકાર દ્વારા થતી ખરીદીએ છેલ્લા કેટલાય દશકોના વિક્રમો તોડી નાખ્યા છે. ખેડૂતોની સ્થિતિ સુધારવાના 'મહા અભિયાન'ના ભાગરૂપે દેશમાં આ ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. તેનો હેતુ ખેડૂતો વિશેષતઃ નાના ખેડૂતોને સશક્ત અને સક્ષમ બનાવવાનો હતો. તેઓ તેમની ઉપજની યોગ્ય કિંમત મેળવી શકે, અને પોતાની ઉપજ વેચવા માટે વધુમાં વધુ વિકલ્પો પ્રાપ્ત કરી શકે તે જોવાનો હતો.' તેમ કહેતાં વડાપ્રધાને તે કાનુનોનો બચાવ પણ કર્યો હતો પરંતુ તે સામે ખેડૂતોનો ભારે વિરોધ ઉભો થયો અને વિશેષતઃ તો દિલ્હી અને તેની આસપાસની સીમાઓ આસપાસના વિસ્તારોમાં તો તે વંટોળ જેવો જ બની રહ્યો.
વડાપ્રધાને કહ્યું હતું કે હકીકતમાં ખેડૂતો, કૃષિ નિષ્ણાતો, અને ખેડૂતોના સંગઠનો કૃષિ ક્ષેત્રમાં સુધારાની ઘણા સમયથી માંગણી કરી જ રહ્યા હતા. આ પૂર્વે પણ ઘણી સરકારોએ આ સંબંધે મથામણ કરી હતી. આ વખતે પણ સંસદમાં ઘણી મથામણ થઈ હતી. વળી દેશના જુદા જુદા ભાગોમાં ઘણા ખેડૂત સંગઠનોએ તે કાનુનો આવકાર્યા પણ હતા. જો કે, આ દિવસ કોઈની પણ ઉપર દોષારોપણ કરવાનો દિવસ નથી. આપણે ખેડૂતોના કલ્યાણ માટે, ફરી પ્રતિબદ્ધ બનીએ.' આ સાથે વડાપ્રધાને આંદોલનરત ખેડૂતોને ગુરુ પર્વનો હવાલો આપીને આગ્રહ કર્યો કે, હવે તમે તમારા ઘરે પાછા ફરો. તમારા ખેતરોમાં પાછા ફરો અને તમારા પરિવાર વચ્ચે જાવ. આવો આપણે એક નવી શરૂઆત કરીએ.