×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારે અદાણી પાવર પાસેથી છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ ભાવ આપીને વીજળી ખરીદી

image- envato


ગાંધીનગર, 18 માર્ચ 2023 શનિવાર

દેશમાં અદાણીનો મુદ્દો વધુ ગરમ થઈ રહ્યો છે. સંસદમાં પણ કોંગ્રેસ દ્વારા અદાણીના મુદ્દાને લઈને ધમાસાણ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ વિધાનસભાના સત્રમાં અદાણીનો મુદ્દો વધુ ચગી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા સરકારને ઉર્જા વિભાગના સવાલોને લઈને ઘેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સરકારે પોતાના પાવર પ્લાન્ટ હોવા છતાં અદાણી સહિતની કંપનીઓ પાસેથી મોંઘાભાવની વીજળી ખરીદી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલના જવાબમાં સરકારે અદાણી સહિતની કંપનીઓ પાસેથી છેલ્લા બે વર્ષમાં કેટલી વીજળી ખરીદી તેનો લેખિતમાં જવાબ આપ્યો હતો. 


પાવર સ્ટેશનો બંધ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે પોતાના પબ્લિક સેક્ટરના પાવર યુનિટ હોવા છતાં માત્ર ખાનગી કંપનીઓના લાભાર્થે પોતાના પાવર સ્ટેશન બંધ રાખીને ખાનગી કંપનીઓ પાસેથી મોંઘા ભાવથી વીજળી ખરીદી છે. ગુજરાત પાસે હાલમાં 16 પાવર સ્ટેશન છે. જેમાં સરકારે 7 પાવર સ્ટેશનો બંધ રાખ્યાં છે. જ્યારે સરકારના 9 પાવર સ્ટેશનો 50 ટકાની કેપેસિટી સાથે ચાલી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારે વીજ ઉત્પાદન માટે પાવર સ્ટેશન ઉભા કર્યા હતાં. આ પાવર સ્ટેશનને બંધ રાખીને ભાજપની સરકાર ખાનગી કંપનીઓ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદે છે. જેના કારણે દેશમાં ગુજરાતના ગ્રાહકો વીજળીના સૌથી વધુ ભાવ ચૂકવવા પડે છે. 


દરેક વીજ મથકો પુરી કાર્યક્ષમતા સાથે કાર્યરત
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋુષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર 24 કલાક ગુણવત્તાયુક્ત વીજળી પુરી પાડે છે. વીજ ઉત્પાદક પાસેથી ટેન્ડરથી વીજળી મેળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં વીજ વપરાશમાં ગુજરાત સૌથી આગળ છે. સરકારે વિવિધ કંપનીઓ પાસેથી વીજળી ખરીદવાના કરાર થયા હતાં. જેમાં કઈ કંપની સસ્તી વીજળી આપે છે એ મહત્વનું હોય છે. સરકારે ઓછા ભાવથી જ વીજળી ખરીદી છે. સરકારના દરેક વીજ મથકો પુરી કાર્યક્ષમતા સાથે કાર્યરત છે. તેનું સમયાંતરે રિનોવેશન પણ થઈ રહ્યું છે. 


સરકારે 500 મેગા વોટના સ્ટેશન સ્થાપ્યાં છે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, 2021માં કોલસાની અછત થઈ હતી અને રશિયા યુક્રેન યુધ્ધના કારણે ગેસના ભાવમાં વધારો થયો હતો. જેથી ધુવારણ, હજીરા અને જીપીસીએલ ગેસ આધારિત પ્લાન્ટ હતાં જેથી વીજળી મોંઘી પડતી હતી. કોંગ્રેસ માત્ર આક્ષેપો કરે છે. ગુજરાત આખા ભારતમાં નંબર વન છે. સરકારે કોઈ પણ સ્થિતિમાં ખેત અને ઘર વપરાજમાં 24 કલાક વીજળી આપી છે. સરકારે 500 મેગા વોટના સ્ટેશન સ્થાપ્યાં છે. સરકાર દ્વારા ખાનગી વીજ ઉત્પાદક પાસેથી 15 ટકા વીજળી ખરીદાય છે. કોંગ્રેસ માત્ર રાજકીય આક્ષેપો કરી રહી છે. પાવર સ્ટેશનો પુરી કાર્યક્ષમતા સાથે ચાલી રહ્યાં છે.