×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારી ભરતી પરીક્ષા બાદ હવે સ્કુલના પ્રિલિમિનરી પરીક્ષાના પેપરો ફૂટ્યા


અમદાવાદ, તા. 18 ફેબ્રુઆરી 2022 શુક્રવાર

રાજ્યમાં વધુ એક પેપર લીકની ઘટના બની છે. ધોરણ 10 અને 12 પ્રિલિમનરી પરીક્ષાના પેપર લીક થયા છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થયુ છે. યુટ્યુબ પર પેપર લીક કરાયુ છે. પેપર લીક કરનારા કૌભાંડીઓને આકરી સજા કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માગ કરાઈ છે. 

હાલ ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પેપર લેવાય તેના બે દિવસ પહેલા પેપર સોશિયલ મીડિયામાં લીક થવુ ચોંકાવનારી ઘટના છે. યુટ્યબ પર સંપુર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ પેપર નવનીત પ્રકાશનમાં છપાયા છે. ખુદ નવનીત પ્રકાશન દ્વારા આ પેપર લીકનો ખુલાસો કરાયો છે.

પેપર લીક મુદ્દે નવનીત પ્રકાશને દાવો કર્યો છે કે 2-3 દિવસથી કેટલીક શાળાઓ તરફથી પેપર લીકની ફરિયાદો મળી હતી. કેટલાક લોકો આગલા દિવસે યૂટ્યુબ પર પેપર લીક કરે છે. અમુક રકમ આપી યૂટ્યુબ સબ્સક્રાઈબ કરી પેપર મેળવવાની ઓફર થઈ. અમે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનને જાણ કરી છે ફરિયાદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમારી ટીમ દ્વારા 8-10 યુટ્યૂબર્સને શોધી કઢાયા છે. અમારી ITની ટીમ પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. 

નવનીત પબ્લિકેશન પાસેથી પોલીસે લેખિત ફરિયાદની માગ કરી હતી. ગઈકાલે નવનીત વતી માત્ર મૌખિક જાણ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તપાસ શરૂ કરવા માટે, એફ આઈ આર નોંધવા માટે લેખિત ફરિયાદ જરૂરી છે. આજે આ કેસમાં લેખિત ફરિયાદ થાય એવી શક્યતા છે.

પેપર લીક ઘટના અંગે સરકારનો જવાબ

રાજ્યમાં આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પ્રિલિમિનરી પરીક્ષા-2022ના પ્રશ્નપત્રો શાળાઓએજ કાઢીને યોજવાની સુચના છે. જેની દરેક જિલ્લાઓમાં શાળા વિકાસ સંકુલ (SVP) અને શાળાના જૂથો દ્વારા પ્રશ્નપત્રનુ છાપકામ કરીને પરીક્ષાઓ યોજવાની સુચના છે. જેથી પ્રિલિમનરી પરીક્ષાના પ્રશ્નપત્રો જે તે શાળાઓએ કાઢીને પરીક્ષા યોજવાની રહે. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રિલિમનરી પરીક્ષા માટેના પ્રશ્નપત્ર અપાયેલા નથી. છતાં ઉક્ત ઘટના અંગે અમદાવાદ શહેર અને જિલ્લાના શિક્ષણાધિકારીઓને તપાસ કરવાના આદેશ આપેલા છે. આ ઘટના સાથે સંકળાયેલા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.