×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારી કંપનીઓને માત્ર એટલા માટે ના ચલાવવી જોઇએ કે તે વારસમાં મળી છે : ખાનગીકરણ પર વડાપ્રધાન મોદીનો ખુલાસો

- ઘણી બધી સરકારી કંપનીઓ ખોટમાં ચાલે છે, આવી કંપનીઓને ચલાવવાથી દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થાય છે 

- વેપાર કરવો એ સરકારનું કામ નથી, સરકારનું ધ્યાન તો જનકલ્યાણ પર હોવું  જોઇએ

નવી દિલ્હી, તા. 24 ફેબ્રુઆરી 2021, બુધવાર

નરેન્દ્ર મોદી સરકાર અને ખુદ વડાપ્રધાન પર સતત ખાનગીકરણને લઇને સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાને એક વેબિનારમાં ખાનગીકરણ કેમ જરુરી છે તેના પક્ષમાં તર્ક આપ્યા છે. ખાનગીકરણને લઇને યોજાયેલા એક વેબિનારમાં તેમણે સમજાવવાના પ્રયાસો કર્યા કે ખાનગીકરણ શા માટે જરુરી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વેપાર કરવો એ સરકારનું કામ નથી. જ્યારે પબ્લિક સેક્ટરની શરુઆત કરવામાં આવી હતી, ત્યારે તેની જરુર હતી. આજે ખાનગીકરણની જરુર છે. લોકોના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય તે માટે ખાનગીકરણ કરવું જરુરી છે. તેમણે કહ્યું કે ઘણા બધી એવી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે, જે ખોટમાં ચાલી રહી છે. સરકારે વારંવાર આવી કંપનીઓની મદદ કરવી પડે છે અને તેમાં કરદાતાઓના પૈસાનો જ ઉપયોગ થાય છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારી કંપનીઓને માત્ર એટલા માટે ના ચલાવવી જોઇએ કે તે વારસમાં મળી છે. ખોટમાં ચાલતી આવી કંપનીઓને ચલાવવાથી દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થાય છે. વેપાર કરવો એ સરકારનું કામ નથી. સરકારનું ધ્યાન તો જનકલ્યાણ પર હોવું  જોઇએ. સરકાર પાસે ઘણી બધી એવી સંપતિઓ છે, જેનો પુરી રીતે ઉપયોગ પણ થતો નથી. આવી 100 જેટલી સંપતિઓના ખાનગીકરણથી સરકાર 2.5 લાખ કરોડ રુપિયા મેળવશે.

ખાનગીકરણ વડે જે પૈસા આવશે તેનો ઉપયોગ જનતાના હિત માટે કરવામાં આવશે. કેન્દ્ર સરકાર મુદ્રીકરણ અને આધુનિકરણ પર ધ્યાન આપી રહી છે. તેમની સરકાર ચાર મહત્વના ક્ષેત્રો છોડીને તમામ ક્ષેત્રોના જાહેર એકમોનું ખાનગીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે.