×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારી આવાસ ભેટમાં કે પરોપકારમાં આપવા માટે નથીઃ સુપ્રીમ કોર્ટ


- કોઈ પણ રાજ્યના વિસ્થાપિત લોકોને એ લાખો નાગરિકો પર પ્રાથમિકતા ન આપી શકાય જેમના માથે છત નથી. સરકારી આવાસ ફક્ત કામચલાઉ રીતે થોડા સમય માટે આપવામાં આવે છે.

નવી દિલ્હી, તા. 13 ઓગષ્ટ, 2021, શુક્રવાર

કાશ્મીર મૂળના અને ગુપ્તચર વિભાગથી નિવૃત્ત અધિકારીને સરકારી આવાસ ખાલી કરવાનો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ આવાસ સેવારત સ્ટાફ માટે છે, રિટાયર્ડ સ્ટાફને પરોપકાર કે ભેટમાં આપવા માટે નથી. 2006માં નિવૃત્ત થયા બાદ તે નાગરિક સરકારી આવાસમાં જ રહેતા હતા. તેમના કહેવા પ્રમાણે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય ન બની જાય ત્યાં સુધી તેઓ પાછા નહીં ફરી શકે. 

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેમને સરકારી આવાસમાં રહેવા માટે મંજૂરી આપી હતી પરંતુ કેન્દ્રએ તે આદેશ વિરૂદ્ધ અરજી કરી દીધી હતી જેને સ્વીકારીને હાઈકોર્ટના આદેશને રદ્દ કરવામાં આવ્યો છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ એએસ બોપન્નાની બેંચે કહ્યું કે, 31 ઓક્ટોબર સુધીમાં તે રિટાયર્ડ અધિકારી ફરીદાબાદ ખાતેનું સરકારી આવાસ ખાલી કરીને તેનો કબજો સરકારને સોંપે. 

આ સાથે જ કેન્દ્ર સરકારને રિટાયર્ડ થયા બાદ પણ સરકારી આવાસમાં રહેતા કર્મચારીઓ અને અધિકારીઓ પર કાર્યવાહી કરીને તેનો રિપોર્ટ 15મી નવેમ્બર સુધીમાં સોંપવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, કોઈને હંમેશા માટે રહેવા માટે સરકારી આવાસ ન આપી શકાય.

ઓક્ટોબર 2006માં નિવૃત્ત થયેલા અધિકારીએ પોતાના વિભાગને અરજી કરીને તેમને એક વર્ષ માટે રહેવા દેવા માટે કહ્યું હતું. જૂન 2007માં બીજી અરજી કરીને કહ્યું હતું કે, તેમને નામ માત્રના શુલ્ક પર તે આવાસમાં રહેવા દેવામાં આવે. તેમને આવાસ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેની અવગણના થતી હોવાથી તેમને કાઢવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે તેઓ દિલ્હીની એક જિલ્લા કોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા હતા. તેને દિલ્હી કોર્ટના ક્ષેત્રાધિકારનો મુદ્દો ન માનીને વિભાગે વિરોધ નોંધાવ્યો હતો. આ કારણે તે વ્યક્તિએ કેસ દિલ્હીથી પાછો લઈને ફરીદાબાદ કોર્ટમાં દાખલ કરાવ્યો હતો જ્યાં તે રદ્દ થયો હતો. આ વખતે તેણે પંજાબ અને ચંદીગઢ હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ તેને પણ સિંગલ જજે રદ્દ કરી દીધી હતી. 

સુપ્રીમ કોર્ટે શું કહ્યું

- દયાની ભાવના ભલે ગમે તેટલી સાચી હોય, રિટાયર્ડ વ્યક્તિને સરકારી આવાસનો કબજો આપવાનો અધિકાર નથી આપતી. જમ્મુ કાશ્મીરની સ્થિતિ વિકટ છે, પરંતુ તેમ છતાં સરકારની જવાબદારી નથી કે તે વ્યક્તિ માટે સરકારી આવાસની વ્યવસ્થા કરે.

- રિટાયર્ડ લોકો રિટાયરમેન્ટના તમામ લાભ લે છે, તેમને એવી સ્થિતિમાં ન માની શકાય જેમને સરકાર હંમેશા માટે આવાસ ઉપલબ્ધ કરાવે.

- કોઈ પણ રાજ્યના વિસ્થાપિત લોકોને એ લાખો નાગરિકો પર પ્રાથમિકતા ન આપી શકાય જેમના માથે છત નથી. સરકારી આવાસ ફક્ત કામચલાઉ રીતે થોડા સમય માટે આપવામાં આવે છે.

- વ્યક્તિ ખૂબ જ ગરીબ વર્ગની પ્રવાસી પણ નથી, તે નોકરશાહીના ઉંચા પદે રહી ચુકી છે. તેનું એવું કહેવું કે, સ્થિતિ સામાન્ય થશે ત્યારે તે પોતાના રાજ્યમાં પાછી જશે એ ભ્રામક છે.