×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારનો મોટો નિર્ણય : રૂ.1.08 લાખ કરોડની ખાતર સબસિડી અને IT હાર્ડવેર યોજના માટે PLI 2.0ને મંજૂરી આપી

નવી દિલ્હી, તા.17 મે-2023, બુધવાર

કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપવાની સાથે IT સેક્ટર માટે પણ મોટો નિર્ણય લીધો છે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 4 મહત્વની જાહેરાત કરાઈ હતી, જેમાં કેન્દ્ર સરકારે ખરીફ સિઝન માટે રૂ.1.08 લાખ કરોડની ખાતર સબસિડીને મંજૂરી આપી છે. ઉપરાંત સરકારે IT હાર્ડવેર માટે કુલ રૂ.17 હજાર કરોડના બજેટીટ ખર્ચની સાથે PLI 2.0ને પણ મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠકમાં  ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગની સફળતાની પણ વાત કરવામાં આવી હતી.

સરકાર ખાતરની કિંમતોમાં વધારો નહીં કરે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ  કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગેની માહિતી આપતા કહ્યું કે, દેશમાં 325થી 350 લાખ મેટ્રીક ટન યૂરિયાનો, 100થી 125 લાખ મેટ્રીક ટન DAP અને NPKનો અને 50-60 લાખ મેટ્રીક ટન MOPનો ઉપયોગ થાય છે. ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે માટે કેન્દ્ર સરકારે સબસિડીમાં વધારો કર્યો, તેથી MRP પણ નહીં વધે. ખરીફ પાકો માટે સરકારે નિર્ણય લીધો છે કે, ભારત સરકાર ખાતરની કિંમતોમાં વધારો નહીં કરે. ભારત સરકાર ખરીફ સિઝનના પાક માટે સબસિડીમાં 1 લાખ 8 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

IT હાર્ડવેર યોજના માટે PLI 2.0ને મંજૂરી

ઉપરાંત કેન્દ્ર સરકારે આઈટી હાર્ડવેર માટે કુલ 17 હજાર કરોડ રૂપિયાના બજેટીટ ખર્ચની સાથે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના (Production linked Incentive-PLI)ના બીજા તબક્કાને પણ મંજૂરી આપી દીધી છે. આ આઈટી હાર્ડવેર પીએલઆઈ યોજના-2 હેઠળ લેપટોપ, ટેબલેટ, તમામ ઉપકરણોથી સજ્જ પર્સનલ કોમ્પ્યુટર (All In One PC) સર્વર વગેરે સામેલ છે. કેન્દ્રીય માહિતી ટેકનોલોજી અને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું કે, કેબિનેટે 17000 કરોડ રૂપિયાના બજેટીય ખર્ચની સાથે આઈટી હાર્ડવેર માટે PLI યોજનાને મંજૂરી આપી છે, જેનો સમયગાળો 6 વર્ષનો છે. ઉલ્લેખનિય છે કે, સરકારે ફેબ્રુઆરી-2021માં 7350 કરોડ રૂપિયાના ખર્ચ સાથે આઈટી હાર્ડવેયર માટે પ્રથમ પીએલઆઈ યોજનાને મંજૂરી આપી હતી, જેમાં લેપટોપ, ટેબલેટ, તમામ ઉપકરણોથી સજ્જ પર્સનલ કોમ્પ્યુટર અને સર્વર વગેરે સામેલ છે.

ભારતે રેકોર્ડ 11 બિલિયન ડોલરથી વધુના મોબાઈલ ફોનની નિકાસ કરી

અશ્વિની વૈષ્ણવે ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગની સફળતાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, નાણાંકીય વર્ષ 2023માં ભારતે 100 બિલિયન ડોલરના માલસામાનનું ઉત્પાદન કર્યું છે અને દેશ દ્વારા રેકોર્ડ 11 બિલિયન ડોલરથી વધુના મોબાઈલ ફોનની નિકાસ પણ કરાઈ છે. તેમણે કહ્યું કે ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે 42 કંપનીઓએ પ્રથમ વર્ષમાં 900 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું હતું, પરંતુ તેની જગ્યાએ 1600 કરોડનું રોકાણ કરાયું છે.