×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારને ટેક્સ પેટે મળી સૌથી વધુ આવક : FY22માં રેકોર્ડ 27.07 લાખ કરોડનું ટેક્સ કલેક્શન


- કોરોના બાદની રિકવરીમાં સરકારી તિજોરીમાં વધારો

-નાણાંકીય વર્ષ 2022માં ભારતનું રેકોર્ડ 27.07 લાખ કરોડનું ટેક્સ કલેક્શન 

અમદાવાદ,તા. 09 એપ્રિલ 2022,શનિવાર

કોરોનાના કપરાકાળ બાદની રિકવરીમાં દેશમાં આર્થિક પ્રવૃતિઓમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે. આ શાનદાર રિકવરીની અસર સરકારી તિજોરી પર પણ જોવા મળી છે. 2021-22માં દેશનું કુલ ટેક્સ કલેક્શન ઐતિહાસિક 27.07 લાખ કરોડ થયું છે. વાર્ષિક દ્રષ્ટિએ ટેક્સ કલેક્શનમાં 34 ટકાનો બમ્પર ઉછાળો જોવા મળ્યો છે.

રસપ્રદ વાત એ છે કે સરકાર દ્વારા બજેટમાં અંદાજિત કરેલ 22.17 લાખ કરોડના આંકડા કરતા વાસ્તવિક કર વસૂલી 5 લાખ કરોડ વધુ છે. સરકારને આ ટેક્સની આવક કોર્પોરેટ ટેક્સ, કસ્ટમ ડ્યુટી અને જીએસટી દ્વારા પ્રાપ્ત થયા છે.  વાર્ષિક દ્રષ્ટિએ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 49% અને ઈનડાયરેક્ટ ટેક્સ કલેક્શન 30% વધ્યું છે તેમ સરકારે જણાવ્યું છે.

દેશના કુલ જીડીપીની સામે ટેક્સ કલેક્શનનો રેશિયો 1999 પછી 23 વર્ષમાં સૌથી વધુ છે. રેવન્યુ સેક્રેટરી તરુણ બજાજે જણાવ્યું હતું કે જીડીપીની સામે ટેક્સ કલેક્શનનો રેશિયો 11.7 ટકા રહ્યો છે. 2020-21માં તે 10.3% હતો. આ સમયગાળા દરમિયાન સરકારે ટેક્સમાંથી 20.27 લાખ કરોડની કમાણી કરી હતી. ડેટા અનુસાર ગત નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 49% વધીને બજેટ અનુમાન કરતા 3.02 લાખ કરોડ વધુ રૂ. 14.10 લાખ કરોડ, કોર્પોરેટ ટેક્સ કલેક્શન 56.1% વધીને રૂ. 8.58 લાખ કરોડ અને વ્યક્તિગત ટેક્સ આવક 43 ટકા વધીને રૂ. 7.49 લાખ કરોડ રહી છે.

બજેટ અનુમાન 11.02 લાખ કરોડની સામે પરોક્ષ કર સંગ્રહનો વાસ્તવિક આંકડો વાર્ષિક દ્રષ્ટિએ 20% વધીને રૂ. 12.90 લાખ કરોડ થયું છે. તેમાં કસ્ટમ ડ્યુટીનો હિસ્સો 48% વધીને રૂ. 1.99 લાખ કરોડ થયો છે, જ્યારે કેન્દ્રીય જીએસટીનો હિસ્સો 30% વધીને રૂ. 6.95 લાખ કરોડ થયો છે. જોકે આયાત ડ્યુટી સામાન્ય ઘટીને રૂ. 3.9 લાખ કરોડ થઈ હતી. આ દરમિયાન 2.43 લાખ કરદાતાઓને 2.24 લાખ કરોડ રૂપિયાનું રિફંડ પણ આપવામાં આવ્યું હતુ.