×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સમેત શિખરની પવિત્રતા જળવાશે, પ્રવાસન સ્થળ નહીં બને


- ધર્મસ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા મુદ્દે જૈનોના વિરોધ પછી કેન્દ્ર સરકારે નિર્ણય લીધો

- રાજ્ય સરકારને પારસનાથ હિલ્સ મુદ્દે જૈન સમાજના બે, સ્થાનિક જનજાતિય સમાજના 1 સભ્ય સહિત સમિતિ બનાવવા નિર્દેશ

- દારૂનું વેચાણ પર્યાવરણને નુકસાન જેવી પ્રવૃત્તિઓ સામે કડકાઈથી કામ લેવા નિર્દેશ

નવી દિલ્હી : ઝારખંડમાં આવેલું જૈનોના પવિત્ર તિર્થધામ સમેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના નિર્ણયનો વિરોધ કરતાં જૈન સમાજે દેશભરમાં ઉગ્ર દેખાવો કર્યા હતા અને તિર્થધામને બચાવવા લાખો જૈનો રસ્તા પર ઊતર્યા હતા. વધુમાં જૈન મુનિ સુજ્ઞોયસાગર મહારાજે પ્રાણ ત્યાગ કરી બલિદાન આપ્યું હતું. જૈનોના વિરોધ પછી અંતે કેન્દ્ર સરકારે સમેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે અને એક સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં જૈન સમાજમાંથી બે અને સ્થાનિક જનજાતીય સમાજના એક સભ્યનો સમાવેશ કરાશે. કેન્દ્ર સરકારે ઝારખંડ સરકારને જરૂરી પગલા લેવા પણ કહ્યું છે.

સમગ્ર દેશમાં જૈનોના ઉગ્ર વિરોધને પગલે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૯ના જાહેરનામાના ખંડ ૩ની જોગવાઈઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ કહ્યું કે, ૨૦૧૯ના જાહેરનામા પર રાજ્ય સરકાર કાર્યવાહી કરે. પ્રવાસન, ઈકો ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવાયો છે. પોતાના તિર્થક્ષેત્રોને બચાવવા મુદ્દે સમગ્ર દેશમાં જૈન સમાજના દેખાવોના પગલે કેન્દ્ર સરકારે પારસનાથ હિલ્સ, જ્યાં સમેત શિખર સ્થિત છે, પર બધી જ પ્રવૃત્તિઓ રોકવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની જૈન સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત પછી આ નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય મંત્રીએ આ બેઠકમાં જૈન સમાજને વિશ્વાસ અપાવ્યો હતો કે મોદી સરકાર સમેત શિખરની પવિત્રતાને જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. સાથે જ કેન્દ્ર સરકારે રાજ્યને આ સ્થળ પર દારૂનું વેચાણ, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વના સ્થળોને દૂષિત કરવા અથવા પર્યાવરણને નુકસાન પહોંચાડવા જેવી પ્રતિબંધિત પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરવા માટે કહ્યું છે.

આ પહેલાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ કેન્દ્ર સરકારને પત્ર લખીને ૨૦૧૯ના જાહેરનામા પર યોગ્ય પગલાં લેવા આગ્રહ કર્યો હતો. તેમણે એમ પણ લખ્યું હતું કે રાજ્યની ૨૦૨૧ની પ્રવાસન નીતિનો જૈન સમાજ વિરોધ કરી રહ્યો છે. આ નીતિમાં આ ધર્મસ્થળને વધુ સારા મેનેજમેન્ટ માટે એક મેનેજમેન્ટ બોર્ડની રચનાની જોગવાઈ હતી. પત્રમાં કહેવાયું હતું કે, રાજ્યના પ્રવાસન સચિવની આગેવાની હેઠળ બોર્ડમાં જૈન સમાજ તરફથી પસંદ કરાયેલા છ બિન શાસકીય સભ્યો હશે, તેમાં એમ પણ કહેવાયું છે કે જૈન સમાજનો વિરોધ પારસનાથ હિલ્સને ઈકો ટૂરિઝમ વિસ્તાર જાહેર કરવા સામે છે. આ જગ્યાએ જ ધર્મસ્થળ છે.

હકીકતમાં પ્રવાસન, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયને તાજેતરના સમયમાં પારસનાથ વન્યજીવ અભ્યારણ્યમાં થનારા પ્રવાસનના મુદ્દા પર જૈન સમાજના અનેક સંગઠનો તરફથી આવેદનો મળી રહ્યા હતા, જેમાં સમેત શિખરમાં પ્રવાસન પ્રવૃત્તિઓના કારણે જૈન ધર્મના અનુયાયીઓની ભાવનાઓ પર ખરાબ અસર પડી રહી હોવાનું જણાવાયું હતું. 

દેશની વસતીમાં ૦.૪ ટકાનો હિસ્સો ધરાવતા જૈન સમાજે ઝારખંડમાં સમેત શિખરને પ્રવાસન ક્ષેત્ર બનાવવાનો ભારે વિરોધ કર્યો હતો અને આ દેખાવો માત્ર ઝારખંડ પૂરતા મર્યાદિત ન રહેતાં સમગ્ર દેશમાં નવી દિલ્હી, જયપુર, ભોપાલ, અમદાવાદ સહિતના સ્થળો પર થઈ રહ્યો હતો. દરમિયાન જયપુરમાં સમેત શિખર મુદ્દે ઉપવાસ પર બેસેલા જૈન સંત દેવલોક પામ્યા હતા. ૭૨ વર્ષના સુજ્ઞોયસાગર મહારાજ ઉપવાસ પર બેઠા હતા. પોલીસે કહ્યું કે તેમણે ૨૫ ડિસેમ્બરથી કશું ખાધું નહોતું, જેથી તેઓ દેવલોક પામ્યા હતા.

બીજી બાજુ કેન્દ્ર સરકારે સમ્મેત શિખરજીની પવિત્રતા જળવાઈ રહે તે માટે ત્યાં પર્યટન સંબંધિત ગતિવિધિઓ અટકાવવા તથા માંસાહાર- શરાબ સેવન વગેરે પર પ્રતિબંધની ખાતરી આપતાં સમગ્ર જૈન સમાજમાં ખુશીની લાગણી છવાઈ છે. મુંબઈમાં જૈનાચાર્ય નયનપદ્મસાગરજી મહારાજે આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તીર્થરક્ષાના આ નિર્ણયથી માત્ર જૈન સમાજ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ઉત્તમ કાર્ય થયું છે.  આચાર્ય શ્રી નયનપદ્મસાગરજીએ જણાવ્યું હતું કે સરકારે બહુ ઝડપથી સંવેદનશીલ અને આધ્યાત્મિક મુલ્યોનાં રખોપાં કરતો નિર્ણય છે. સમગ્ર સમુદાયમાં આજે દિવાળી જેવો માહોલ છે.  જૈનાચાર્ય યશોવર્મસૂરિશ્વરજીએ સમ્મેત શિખરજીને તીર્થ ક્ષેત્ર તરીકે જ જાળવી રાખવાની સરકારની જાહેરાતને આવકારતાં કહ્યું હતું કે આ જૈનોની સંગઠનશક્તિ તથા શાંત આંદોલનનું પરિણામ છે. 

આ નિર્ણયની જાહેરાત બદલ અમે સરકારના આભારી છીએ. અમારી ભાવના છે કે જૈન ધર્મ સહિત તમામ ધર્મોનાં  તીર્થસ્થાનોની રક્ષા થવી જોઈએ. 

જૈન સમાજ માટે સંમેત શિખરનું મહત્વ

જૈન ધર્મનું તિર્થ સ્થળ સમેત શિખર ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથ પર્વત પર સ્થિત છે. આ પર્વતનું નામ જૈનોના ૨૩મા તીર્થંકર પારસનાથના નામ પર છે. તે ઝારખંડની સૌથી ઊંચા શિખર પર સ્થિત છે. માનવામાં આવે છે કે જૈન ધર્મના ૨૪માંથી ૨૦ તીર્થંકરોએ અહીં નિર્વાણ લીધું હતું. તેથી તે જૈન સમાજનું સૌથી પવિત્ર સ્થળ છે. આ પર્વત પર ટોક બનેલા છે, જ્યાં તીર્થંકરોના ચરણ છે. માનવામાં આવે છે કે અહીંના કેટલાક મંદિરો બે હજાર વર્ષથી પણ વધુ જૂના છે. 

જૈનો દર વર્ષે સમેત શિખરનો પ્રવાસ કરે છે. લગભગ ૨૭ કિ.મી. લાંબો આ પ્રવાસ પગપાળા થાય છે. માન્યતા છે કે જીવનમાં એક વખત તો આ પ્રવાસ કરવો જ જોઈએ.

જૈન સમાજના વિરોધનું મૂળ શું છે

ઑગસ્ટ ૨૦૧૯માં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે સમેત શિખર અને પારસનાથ હિલ્સને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો હતો. ત્યાર પછી ઝારખંડ સરકારે તેને પ્રવાસન સ્થળ જાહેર કર્યું હતું અને આ તીર્થસ્થળને પ્રવાસન સ્થળમાં પરિવર્તિત કરવાનું હતું. આ મુદ્દે જૈન સમાજને વાંધો હતો. તેમનું કહેવું હતું કે આ પવિત્ર ધર્મસ્થલ છે અને પ્રવાસીઓના આગમનથી તે પવિત્ર નહીં રહે. વધુમાં જૈન સમાજને ડર હતો કે તેને પ્રવાસન સ્થળ બનાવવાથી અહીં અસામાજિક તત્વો પણ આવશે અને અહીં દારૂ તથા માંસનું સેવન પણ કરાશે.